સાત વર્ષ બાદ પરત આવી રહેલી હોકી ઇન્ડિયા લીગની હરાજીની શરુઆત ધમાકેદાર રહી હતી. હરાજીના પહેલા દિવસે ભારતીય ખેલાડીઓ પર બોલી લાગી હતી જેમાં ભારતીય ટીમના સુકાની ઉર્ફે સરપંચ સાહબ, ઉપ-સુકાની હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ જેવા મોટા ખેલાડીઓના નામ સામેલ હતા. અપેક્ષા પ્રમાણે જ પહેલા દિવસે હરમનપ્રીત સિંહ સૌથી મોંઘો વેચાનારો ખેલાડી બન્યો હતો. તેના સિવાય હાર્દિક સિંહ, વિવેક સાગર અને મનપ્રીત સિંહ પણ મોંઘા વેચાયા હતા. હરમનપ્રીત સિંહ માટે ઘણી ટીમોએ બોલી લગાવી હતી. હૈદરાબાદ તુફાને હરમનપ્રીત સિંહને પોતાની સાથે લેવા માટે સતત બોલી લગાવી હતી. તે સિવાય દિલ્હી અને પંજાબ સૂરમાએ પણ હરમનપ્રીતને ખરીદવા માટે ભારે રસ દેખાડયો હતો. જોકે, અંતે પંજાબ સૂરમાએ હરમનપ્રીતને 78 લાખ રૂપિયા ખર્ચીને પોતાની ટીમ સાથે જોડી લીધો હતો. સરદાર સિંહે તેના માટે અંતિમ બોલી લગાવી હતી. હરમનપ્રીત હજુ સુધીમાં આ લીગનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.


હાર્દિક સિંહને મળ્યા 70 લાખ

હરમનપ્રીત સિંહ પહેલા હાર્દિક સિંહ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.હાર્દિક માટે પણ ઘણી ટીમોએ બોલી લગાવી હતી. હાર્દિક તે પહેલો ખેલાડી હતો જેના માટેની બોલી 50 લાખને પાર પહોંચી હતી. હાર્દિક માટે દિલ્હીના એસજી પાઇપર્સ અને યૂપી રુદ્રાસ વચ્ચે લાંબી જંગ ચાલી હતી અને કેટલીક અન્ય ટીમો પણ બોલીમાં જોડાઇ હતી. અંતે યૂપીની ટીમે તેને 70 લાખમાં પોતાની ટીમ માટે ખરીદી લીધો હતો.

અનેક બોલી બાદ અભિષેક 72 લાખમાં બંગાળ ટીમમાં ગયો

હરમનપ્રીત સિંહ બાદ અભિષેક બંગલા ટાઇગર્સમાં ગયો હતો. તેના માટે પણ અનેક ટીમોએ બોલી લગાવી હતી. અભિષેક ત્રીજો એવો ખેલાડી હતો જેની પર બોલી 50 લાખ રૂપિયાને પાર ગઇ હતી. અભિષેકને બંગાળ ટાઇગર્સે 72 લાખ રૂપિયા આપીને ખરીદ્યો હતો.


  • Follow us on: