- અમદાવાદમાં ફૂટબોલના ખેલાડીઓને પ્રોત્સાહન માટે લીગનું આયોજન
- એન્જોગો ફૂટબોલ પ્રિમિયર લીગમાં 108 ટીમોએ ભાગ લીધો
- વર્લ્ડકપ કે ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમના ક્વોલિફિકેશન માટે અનેક અવરોધો
અમદાવાદમાં ફૂટબોલના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી એન્જોગો ફૂટબોલ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની અલગ અલગ 108 ફૂટબોલ ટીમે ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ભાઈચુંગ ભુટિયા ઉપસ્થિત રહીને ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આ સાથે જ તેમણે વર્લ્ડકપ કે ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમના ક્વોલિફિકેશન માટે અનેક અવરોધો છે જેને દૂર કરવા એજ્યુકેશન પોલિસીમાં સુધારો કરવો ખૂબ જરૂરી હોવાનું નિવેદન આપ્યું હતું.
સ્પોર્ટ્સને એજ્યુકેશન પોલિસીમાં સમાવવાની જરૂર
ભાઇચુંગ ભૂટિયાએ કહ્યું કે ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ક્રિકેટ જેવો હોકી અને ફૂટબોલને સપોર્ટ મળી રહ્યો નથી. જો દેશમાં એજ્યુકેશન પોલિસીમાં સ્પોર્ટ્સને સમાવવામાં આવે તો દરેક રમતને લોકો ઓળખતા થઇ શકે છે. દેશભરમાંથી નવા સ્ટાર બહાર આવશે અને દેશનું નામ વિશ્વ લેવલે લઇ જઇ શકે છે. દેશમાં વર્લ્ડકપ કે ઓલિમ્પિકમાં ફૂટબોલ ટીમ માટે ઘણા અવરોધો છે જે દુર કરવાની જરૂર છે. ભારતીય ટીમને વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવા માટે પણ કપરા ચઢાણ ચડવા પડે છે.
કોણ છે ભાઇચુંગ ભૂટિયા?
તેમનો જન્મ 15 ડિસેમ્બર, 1976ના રોજ સિક્કિમ ખાતે થયો હતો. ખૂબ જ નાની ઉંમરથી ભાઈચુંગ ફૂટબોલ રમવાનું પસંદ કરતા હતા. 16 વર્ષની ઉંમરમાં સંતોષ ટ્રોફીમાં તેઓએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આ જોઈને, પૂર્વ બંગાળ ટીમમાં તેમને સામેલ કરવામાં આવ્યા. 1999માં ભાઈચુંગને બેલાયત (Belait)ની બ્યૂરી ક્લબમાં એફસી (FC) તરફથી રમવા માટે એક તક મળી હતી. તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ભાઈચુંગ ભૂટિયાને વર્ષ 1998માં અર્જુન એવોર્ડ અને 2008માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભૂટિયા 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ફૂટબોલર છે.
ભાઇચુંગ ભૂટિયા એક ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ફૂટબોલર છે જેઓ સ્ટ્રાઈકર તરીકે રમ્યા હતા. ભૂટિયાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતીય ફૂટબોલના મશાલ વાહક તરીકે ગણવામાં આવે છે. ફૂટબોલમાં તેમની શૂટિંગ કુશળતાને કારણે તેમને 'સિક્કિમીઝ સ્નાઈપર' તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ વખતના ભારતીય પ્લેયર ઓફ ધ યર આઇ એમ વિજયને ભૂટિયાને "ભારતીય ફૂટબોલ માટે ભગવાનની ભેટ" ગણાવ્યા હતા.









