- શિખર ધવને આયશા મુખર્જીને આપ્યા છૂટાછેડા
- આયશા અને ધવન પહેલીવાર ફેસબુક પર મળ્યા હતા
- આયશા ધવનને તેમના બાળકને મળવા દેતી નથી
ભારતીય અનુભવી બેટ્સમેન શિખર ધવન ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આટલું જ નહીં તેમના અંગત જીવનમાં પણ ઉથલપાથલ થઈ છે. તેણે તેની પત્ની આયશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. જે બાદ શિખર ધવન ભારતમાં રહે છે, પરંતુ આયશા ઓસ્ટ્રેલિયા જતી રહી છે. હાલમાં જ પોતાના બાળકના જન્મદિવસ પર એક ઈમોશનલ પોસ્ટ કરતી વખતે ધવને કહ્યું હતું કે ઝોરાવરને મળ્યાને બે વર્ષ થઈ ગયા છે. એટલે કે આયશા ધવનને તેમના બાળકને મળવા દેતી નથી.
આયશાનું અંગત જીવન
આયશાના અંગત જીવનની વાત કરીએ તો તે હાલમાં 48 વર્ષની છે. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1975ના રોજ ભારતમાં થયો હતો. આયશાના પિતા બંગાળી હતા, જ્યારે તેની માતા બ્રિટિશ હતી. આયશાના માતા-પિતા એક ફેકટરીમાં કામ કરતા પહેલીવાર મળ્યા હતા. અહીં તેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. આયશાનો જન્મ થયો ત્યાં સુધી તે ભારતમાં જ રહ્યા, પરંતુ આયેશાના જન્મ પછી તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા હતા.
એક બિઝનેસમેન સાથે કર્યા લગ્ન
બહુ ઓછા લોકો જાણતા હશે કે આયશા એક પ્રોફેશનલ કિકબોક્સર છે. તે હજુ પણ સખત ફિટનેસ રૂટિનનું પાલન કરે છે. એવું માનવામાં આવે છે કે શિખરની શાનદાર ફિટનેસમાં આયશાનો મહત્વનો ફાળો હતો. ધવન પહેલા આયશાએ ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તેઓને બે પુત્રીઓ હતી. જો કે, સારા સંબંધોના અભાવને કારણે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તેને તેના પહેલા પતિથી બે દીકરીઓ છે. દીકરીઓના નામ રિયા અને આલિયા છે.
આયશા અને ધવન ફેસબુક પર મળ્યા
આ પછી આયશા શિખર ધવનને મળી હતી. કહેવાય છે કે બંને કપલ પહેલીવાર ફેસબુક પર મળ્યા હતા. અહીં તેઓ મિત્રો બન્યા અને આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જે બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આયશા ધવન કરતા 10 વર્ષ મોટી હતી. આમ છતાં તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું. 2014 માં, તેઓને એક પુત્ર થયો, જેનું નામ તેઓએ પ્રેમથી જોરાવર રાખ્યું. જોરાવર હાલમાં તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.