- શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝમાં વિરાટ કોહલી રમ્યો હતો
- વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટરોમાં સૌથી અમીર છે
- જાણો ક્રિકેટમાંથી વાર્ષિક કમાણી કેટલી છે વિરાટ
વિરાટ કોહલી T20 વર્લ્ડકપ 2024 પછી શ્રીલંકા સામે રમાયેલી ODI સિરીઝમાં ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. જોકે વિરાટ માટે આ સિરીઝ કંઈ ખાસ ન હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ હવે ભારતીય ટીમ માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટરોમાં સૌથી અમીર છે. તો શું તમે જાણો છો કે વિરાટની ક્રિકેટમાંથી વાર્ષિક કમાણી કેટલી છે અને તેને એક મેચની કેટલી ફી મળે છે?
ક્રિકેટમાંથી વિરાટની વાર્ષિક આવક
વર્ષ 2008માં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આજે વિરાટની ગણતરી વિશ્વના મહાન ક્રિકેટરોમાં થાય છે. અત્યાર સુધી વિરાટે ઘણા એવા મોટા રેકોર્ડ બનાવ્યા છે જેને ભવિષ્યમાં તોડવું આસાન નહીં હોય. મહાન પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર બાદ વિરાટ પણ એવો બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે. આ સિવાય જો ક્રિકેટમાંથી વિરાટની વાર્ષિક કમાણી વિશે વાત કરીએ તો કોહલી એક વર્ષમાં ક્રિકેટમાંથી 7 કરોડ રૂપિયા કમાય છે. વિરોટને A+ કેટેગરીમાં સામેલ કરાયો છે.
આટલી છે એક મેચની ફી
વિરાટ કોહલીએ હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. T20 ક્રિકેટમાં કોહલીને એક મેચ માટે 3 લાખ રૂપિયા મળતા હતા. આ સિવાય કોહલીને એક ODI મેચ માટે 6 લાખ રૂપિયા મળે છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટને એક મેચ માટે 15 લાખ રૂપિયા મળે છે.
IPLમાં મળે છે આટલા પૈસા
વિરાટ કોહલી IPLની પ્રથમ સિઝનથી રોયસ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી રમી રહ્યો છે. IPL 2024 કોહલી માટે શાનદાર રહ્યું. આ સિઝનમાં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. જ્યારે IPLમાં RCB વિરાટ કોહલીને એક સિઝન માટે 15 કરોડ રૂપિયા આપે છે.