• પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમનું કર્યું એલાન
  • પાક. ટીમના ચીફ સિલેક્ટર ઇન્ઝમામ ઉલનું ચોંકાવનારુ નિવેદન
  • ઇન્ઝમામે કહ્યું, હું કુલદીપને પાકિસ્તાનની ટીમમાં પસંદ કરી શકતો નથી

ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાની ટીમની જાહેરાતની તમામ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાકિસ્તાન ટીમના ચીફ સિલેક્ટર ઇન્ઝમામ ઉલ હકે 22 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેને એશિયા કપ 2023માં સ્પિન બોલરોના ખરાબ પ્રદર્શન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં ઈન્ઝમામે ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવનો ઉલ્લેખ કરતા એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

કુલદિપને પાકિસ્તાન ટીમમાં સિલેક્ટ ન કરી શકાય

એશિયા કપ 2023માં પાકિસ્તાન ટીમના મુખ્ય સ્પિનર ​​શાદાબ ખાને સુપર-4માં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવની સ્પિનનો જાદુ દેખાઈ રહ્યો હતો. વર્લ્ડ કપ ટીમની જાહેરાત દરમિયાન જ્યારે ઈન્ઝમામને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે હું કુલદીપને પાકિસ્તાનની ટીમમાં પસંદ કરી શકતો નથી. 

આ સવાલના જવાબમાં ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે તમે બંને બોલરો પર સારા આંકડા લાવ્યા છો પરંતુ હું તમને કહેવા માંગુ છું કે હું યાદવને પસંદ કરી શકતો નથી, મારા માટે સમસ્યા એ છે કે તે બીજી ટીમમાંથી છે.

શાદાબ વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો હતો

એશિયા કપમાં પાકિસ્તાનની ટીમના ખરાબ પ્રદર્શન બાદ એવા સમાચાર આવ્યા હતા કે શાદાબ ખાનની જગ્યાએ અબરાર અહમદને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે, શાદાબ પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો હતો. તેમના સિવાય મોહમ્મદ નવાઝ અને ઉસામા મીરને સ્પિનરો તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદના મેદાન પર નેધરલેન્ડની ટીમ સામે રમશે.

ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 15 સભ્યોની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર જમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, આગા સલમાન, સઈદ શકીલ, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રાઉફ, હસન અલી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર.

  • Follow us on: