- 2021-22 રણજી ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન પસંદગીકારોને મળ્યો હતો
- હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. આખી રાત સૂઇ શકયો નહોતો: સરફરાઝ ખાન
- પસંદગીકારોએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં બોલાવવા માટે તૈયાર રહેવા કહ્યું હતું
BCCI એ ન્યુઝીલેન્ડ સામેની આગામી વ્હાઈટ બોલ સીરીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમની જાહેરાત કરી છે. એક તરફ ટી-20ના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પ્રથમ વખત ટેસ્ટમાં પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાનને ટીમમાં જગ્યા મળી નથી. સરફરાઝ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન છતાં પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. 25 વર્ષના ક્રિકેટરે 2021-22 રણજી ટ્રોફીમાં ચાર સદી અને બે અડધી સદી સાથે 122.75ની સરેરાશથી 982 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 275 રન હતો.
એક ઈન્ટરવ્યુમાં સરફરાઝે ખુલાસો કર્યો હતો કે તે 2021-22 રણજી ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન પસંદગીકારોને મળ્યો હતો. ત્યાં પસંદગીકારોએ તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં બોલાવવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. સરફરાઝે કહ્યું- જ્યારે મેં બેંગ્લોરમાં રણજી ટ્રોફી ફાઈનલ દરમિયાન સદી ફટકારી ત્યારે હું પસંદગીકારોને મળ્યો હતો. મને કહેવામાં આવ્યું કે તમને બાંગ્લાદેશમાં તક મળશે. તે માટે તૈયાર રહો.
સરફરાઝે કહ્યું- હાલમાં જ હું ચેતન શર્મા સર (મુખ્ય પસંદગીકાર)ને મળ્યો હતો જ્યારે અમે મુંબઈની હોટલમાં ચેક ઇન કરી રહ્યા હતા. તેમણે મને નિરાશ ના થવાનું કહ્યું અને કહ્યું કે મારો સમય આવશે. સારી વસ્તુઓ બનવામાં સમય લાગે છે. તમે ખૂબ નજીક છો. તમને તમારી તક મળશે. તેથી જ્યારે મેં બીજી મહત્વની ઇનિંગ્સ રમી ત્યારે મને આશા હતી પણ કંઇ વાંધો નહીં.
ઘણા ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતો આગળ આવ્યા છે અને મુંબઈના ધમાકેદાર બેટ્સમેનની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. સરફરાઝે કહ્યું કે ટીમમાં નામ ના હોવાથી તેઓ ખરેખર ઉદાસ અને એકલતા અનુભવી રહ્યો છું. સરફરાઝે કહ્યું- જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી અને મારું નામ તેમાં ન હતું ત્યારે હું ખૂબ જ દુ:ખી હતો. આ દુનિયામાં મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ દુ:ખી થાત કારણ કે હું સિલેક્ટ થવાની આશા રાખતો હતો પણ સિલેક્ટ થયો નહોતો. જ્યારે અમે ગુવાહાટીથી દિલ્હી જતા હતા ત્યારે હું આખો દિવસ હતાશ હતો. હું વિચારતો હતો કે આ શું અને શા માટે થયું. હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. આખી રાત સૂઇ શકયો નહોતો, હું રડ્યો પણ.
રણજી ટ્રોફીની વર્તમાન આવૃત્તિમાં સરફરાઝે બે સદી અને એક અડધી સદી સાથે 107.75ની સરેરાશ અને 70.54ની સ્ટ્રાઈક રેટથી 431 રન બનાવ્યા છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની સરેરાશ (80.47)ની દ્રષ્ટિએ તે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સર ડોન બ્રેડમેન (95.14) પછી બીજા ક્રમે છે. ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પણ સરફરાઝની પસંદગી કરવામાં આવી ન હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ માટે સૂર્યકુમારને પસંદ કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.