આઇસીસીની ભ્રષ્ટાચાર વિરોધી એકમના નિવૃત્ત થનાર પ્રમુખ એલેક્સ માર્શલે જણાવ્યું હતું કે ટોચના રમે ક્રિકેટની રમત સુરક્ષિત અને સ્વચ્છ છે પરંતુ સંભવિત બુકીઓ તથા ભ્રષ્ટાચારીઓ સ્થાનિક ક્રિકેટ સંસ્થાઓ દ્વારા રમાડવામાં આવતી ટી20 લીગ દ્વારા ફરીથી રમતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બ્રિટનના ભૂતપૂર્વ પોલિસ ઓફિસરે કોઈ ચોક્કસ લીગ અથવા કોઈ દેશનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેમણે દાવો કર્યો હતો કે વર્તમાન સમયમાં તમે હાઇએસ્ટ લેવલે જે ક્રિકેટ નિહાળી રહ્યા છો તે સ્વચ્છ અને સુરક્ષિત છે.
માર્શલે જણાવ્યું હતું કે બુકીઓ તથા ભ્રષ્ટાચારીઓ ફરીથી ક્રિકેટમાં ઘૂસવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે. તેઓ નીચલા સ્તરની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. રમત માટે આ ખતરો છે કારણ કે તેઓ દૂર જશે નહીં. બુકીઓ તથા ભ્રષ્ટાચારીઓનો એકમાત્ર હેતુ નાણાં કમાવાનો હોય છે. તેઓ પૂરી વ્યવસ્થાની નબળી કડી દ્વારા અંદર ઘૂસવાના માર્ગ શોધી રહ્યા છે. મોટા ભાગના ખેલાડીઓ એસીયૂને લાંચરુશવત સંબંધી મળેલી કોઈ પણ ઓફરને જાણ કરી રહ્યા છે જેના કારણે રમતને વધારે સ્વચ્છ બનાવવામાં મદદ મળી રહી છે. ફિક્સિંગ કે અન્ય લોભામણી ઓફરનો રિપોર્ટ કરનાર ખેલાડીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ કરનાર ખેલાડીઓના નામનો ક્યારેય પણ ઘટસ્ફોટ કરવામાં આવતો નથી.