• ICCએ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો
  • લંકા પ્રીમિયર લીગની 2021 સિઝન દરમિયાન મેચ ફિક્સ કરવા કરાયો સંપર્ક
  • જયવિક્રમા પાસે આરોપો ખોટા સાબિત કરવા 14 દિવસનો સમય

ICCએ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ICCએ ગુરુવારે કહ્યું કે શ્રીલંકાના સ્પિનરે ત્રણ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જયવિક્રમા પર એવા આરોપો છે કે જ્યારે મેચ ફિક્સ કરવા અંગે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાને જાણ કરી ન હતી. આ ઉપરાંત તેણે તપાસમાં અવરોધ ઉભો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ICC અનુસાર શ્રીલંકામાં રમાનારી લંકા પ્રીમિયર લીગની 2021 સીઝન દરમિયાન મેચ ફિક્સ કરવા માટે જયવિક્રમાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સિવાય તેને અન્ય ખેલાડીને આ જ ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જયવિક્રમા પાસે આરોપો ખોટા સાબિત કરવા 14 દિવસનો સમય

ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે શ્રીલંકાના ખેલાડીએ તે મેસેજ ડિલીટ કરી દીધા જેમાં તેને ફિક્સિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. ICCએ પોતાના નિવેદનમાં કહ્યું, "શ્રીલંકાના બોલરે તેના તરફથી તે મેસેજ ડિલીટ કરી દીધા જેમાં તેને મેચ ફિક્સ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જયવિક્રમા પાસે તેના પર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે 6 ઓગસ્ટથી 14 દિવસનો સમય છે."

2021માં કર્યું હતું ડેબ્યૂ

શ્રીલંકાના બોલરે વર્ષ 2021માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે એપ્રિલમાં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં જયવિક્રમાએ 11 વિકેટ ઝડપી હતી. તેણે જૂન 2022માં શ્રીલંકા માટે તેની છેલ્લી મેચ રમી હતી. અત્યાર સુધીમાં તેણે શ્રીલંકા માટે પાંચ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 25 વિકેટ લીધી છે. વનડેમાં તેણે શ્રીલંકા માટે પાંચ મેચમાં માત્ર પાંચ વિકેટ લીધી છે. T20માં પણ તેણે પોતાના દેશ માટે પાંચ મેચ રમીને બે વિકેટ લીધી છે.

  • Follow us on: