ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત સાથે ટુર્નામેન્ટની શરુઆત કરી છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે 21 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ રહ્યો, જેને 101 રનની અણનમ ઈનિંગ્સ રમી. આ પહેલા મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના 5 બેટ્સમેનોને આઉટ કર્યા.


શુભમન ગિલની શક્તિશાળી સદી

શુભમન ગિલે તેની વનડે કારકિર્દીની આઠમી સદી ફટકારી છે. ગિલે બાંગ્લાદેશ સામે 101 રનની અણનમ સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેને 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. ગિલની ODI મેચોમાં આ સતત બીજી સદી છે, આ પહેલા તેને ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝની છેલ્લી મેચમાં 112 રનની ઈનિંગ રમી. ભારતે 144 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ ગિલે કેએલ રાહુલ સાથે અણનમ 87 રનની ભાગીદારી કરીને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો. રાહુલે અણનમ 41 રનની ઈનિંગ રમી.

બાંગ્લાદેશે આપ્યો 228 રનનો ટાર્ગેટ

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં બાંગ્લાદેશે ભારત સામે 228 રન બનાવ્યા. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દુબઈમાં રમાઈ. બાંગ્લાદેશ બહુ મોટો સ્કોર બનાવી શક્યું નહીં, પરંતુ તૌહીદ હૃદયોયની સદી અને જાકીર અલીની અડધી સદીની ઈનિંગ્સને કારણે બાંગ્લાદેશ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. હૃદયોયે 100 રનની સદીની ઈનિંગ રમી.

રોહિત શર્માએ કેચ ડ્રોપ કર્યો, અક્ષર પટેલ હેટ્રિક ચૂક્યો

અક્ષર પટેલ તેના સ્પેલની પહેલી ઓવરમાં જ ઘાતક બોલિંગ કરતો જોવા મળ્યો. તેને સતત બે બોલ પર તંજીદ હસન અને મુશફિકુર રહીમને આઉટ કર્યા, પરંતુ રોહિત શર્માએ ઝાકિર અલીનો કેચ છોડી દીધો જેના કારણે અક્ષર તેની હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહીં. ભારતની ફિલ્ડિંગ એટલી ખરાબ હતી કે રોહિત સિવાય હાર્દિક પંડ્યાએ પણ એક કેચ છોડ્યો. કેએલ રાહુલ વિકેટકીપિંગમાં પણ નિષ્ફળ ગયો અને તે એક મહત્વપૂર્ણ સ્ટમ્પિંગ ચૂકી ગયો.

મોહમ્મદ શમીએ લીધી પાંચ વિકેટ

ભારત તરફથી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. તેને સૌમ્ય સરકાર, મહેદી હસન, ઝાકિર અલી, તંજીમ હસન સાકિબ અને તસ્કિન અહેમદને આઉટ કર્યા. તેના સિવાય હર્ષિત રાણાએ 3 વિકેટ અને અક્ષર પટેલે પણ 2 વિકેટ લીધી.


  • Follow us on: