ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને શાનદાર રીતે 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો.
જ્યારે પાકિસ્તાની ટીમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને આખી ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં કોહલીએ ભારત માટે કંઈક ખાસ કર્યું છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 82 મી સદી ફટકારી છે.
કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી સદી ફટકારી
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં વિરાટ કોહલીએ પોતાની પહેલી સદી ફટકારી છે. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી ફટકારી શક્યો ન હતો. તેને મેચમાં 111 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની બેટિંગ સામે પાકિસ્તાની બોલરો ટકી શક્યા નહીં. શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રૌફ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા.
કોહલીએ સચિન તેંડુલકરને છોડ્યો પાછળ
વિરાટ કોહલીએ મેચમાં 15 રન બનાવીને ODI ક્રિકેટમાં 14000 રન પૂરા કર્યા છે અને ઈતિહાસ રચ્યો છે. તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14000 રન બનાવનાર બેટ્સમેન છે. તેને આ માત્ર 287 ઈનિંગ્સમાં કર્યું છે. કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 350 ઈનિંગ્સમાં ODI ક્રિકેટમાં 14000 રન પૂરા કર્યા. સચિને 2006 માં પાકિસ્તાન સામે સદી ફટકારીને આ રન પૂરા કર્યા હતા.
આવું કરનારો એકમાત્ર ત્રીજો બેટ્સમેન
વિરાટ કોહલી ODI ક્રિકેટના ઈતિહાસમાં 14000 થી વધુ રન બનાવનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આમ કરવામાં તે ભારતના સચિન તેંડુલકર (18426 રન) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (14234 રન) ના લિસ્ટમાં જોડાઈ ગયો છે.
ભારત માટે ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી
વિરાટ કોહલીએ વર્ષ 2008 માં ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેને અત્યાર સુધીમાં ODI મેચોમાં કુલ 14000 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 50 સદી અને 73 અડધી સદી તેના બેટમાંથી આવી છે. તેને ટીમ ઈન્ડિયા માટે 123 ટેસ્ટ અને125 T20 મેચ પણ રમી છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ મેચ રમનાર એકમાત્ર બેટ્સમેન છે.