ઈંગ્લેન્ડને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. આ રીતે, ઈંગ્લેન્ડ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતનું ખાતું ખોલી શક્યું નહીં.
ટુર્નામેન્ટની પોતાની છેલ્લી લીગ મેચમાં, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ રમતા માત્ર 179 રન બનાવી શકી. દક્ષિણ આફ્રિકાએ આ નાના લક્ષ્યને 29.1 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધું.
આ શાનદાર વિજય સાથે દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ B માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દક્ષિણ આફ્રિકાની જીતમાં ચાર ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. માર્કો જેન્સન અને વિઆન મુલ્ડરે પોતાની બોલિંગથી ધૂમ મચાવી. ત્યારબાદ રાસી વાન ડેર ડુસેન અને હેનરિક ક્લાસેનએ પોતાની બેટિંગથી ધૂમ મચાવી દીધી.
રાસી વાન ડેર ડુસેને બનાવ્યા 72 રન
જેનસેન અને મુલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે વાન ડેર ડુસેને અણનમ 72 અને ક્લાસેનએ 64 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 180 રનના લક્ષ્યાંકને માત્ર 29.1 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો.
રાસી વાન ડેર ડુસેન અને હેનરિક ક્લાસેન વચ્ચે જોરદાર પાર્ટનરશિપ
180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ પહેલી વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ટ્રેસ્ટન સ્ટબ્સ ઓપનિંગ કરતી વખતે શૂન્ય રને આઉટ થયો. પરંતુ રાયન રિકોલ્ટન તેની સ્ટાઈલમાં રમવાનું ચાલુ રાખ્યું. તેને 25 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 27 રનની ઈનિંગ રમી. 47 રનમાં બે વિકેટ પડી ગઈ. ત્યારબાદ રાસી વાન ડેર ડુસેન અને હેનરિક ક્લાસેન વચ્ચે 127 રનની ભાગીદારી થઈ અને તેમની ટીમનો વિજય સુનિશ્ચિત થયો.
ડેવિડ મિલરની વિનિંગ સિક્સર
વાન ડેર ડુસેન 87 બોલમાં 72 રન બનાવી અણનમ રહ્યા. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા લાગ્યા. જ્યારે ક્લાસેન માત્ર 56 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 64 રનની ધમાકેદાર ઈનિંગ રમી. ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો. તે બે બોલમાં સાત રન બનાવીને અણનમ રહ્યો.
આ રીતે, ઈંગ્લેન્ડની ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતનું ખાતું ખોલી શકી નહીં. ઈંગ્લેન્ડને તેની ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પછી અફઘાનિસ્તાન સામે અને હવે દક્ષિણ આફ્રિકાએ પણ તેને હરાવ્યું છે.
ઇંગ્લેન્ડના બેટ્સમેન ગયા નિષ્ફળ
આ પહેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન દક્ષિણ આફ્રિકા સામે કંઈ ખાસ કરી શક્યા ન હતા. આફ્રિકાના બોલરોએ ઇંગ્લેન્ડને 179 રનમાં ઓલઆઉટ કરી દીધું, જે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો તેમનો સૌથી ઓછો સ્કોર હતો. દક્ષિણ આફ્રિકા તરફથી, જાન મુલ્ડર અને માર્કો જાનસેને શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી રૂટે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 37 રન બનાવ્યા. મુલ્ડર અને જાનસેન સિવાય કેશવ મહારાજે બે વિકેટ લીધી, જ્યારે લુંગી ન્ગીડી અને કાગીસો રબાડાએ એક-એક વિકેટ લીધી.













