- IPL ગવર્નિંગ કાઉન્સિલે સંજૂને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
- માહીની ટીમને હરાવવા માટે સંજૂએ IPLનો એક મહત્ત્વપૂર્ણ નિયમ તોડ્યો
- સંજૂ સેમસન એન્ડ કંપની ફીલ્ડિંગ દરમિયાન સ્લો ઓવર રેટનો શિકાર થઈ ગઈ
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન કોઈક રીતે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ જીતવામાં સફળ રહ્યો હતો પરંતુ એક ભૂલે તેને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. IPL ગવર્નિંગ કાઉન્સિલે સંજૂને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. માહીની ટીમને હરાવવા માટે સંજૂએ IPLનો એક મહત્ત્વપૂર્ણ નિયમ તોડ્યો. જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છેલ્લી ઓવરમાં 21 રન બનાવવાનું ચૂકી ગઈ હતી. જેના કારણે રાજસ્થાને આ મેચ ત્રણ રને જીતી લીધી હતી. સંજૂ સેમસન એન્ડ કંપની ફીલ્ડિંગ દરમિયાન સ્લો ઓવર રેટનો શિકાર થઈ ગઈ. રાજસ્થાને મેદાન પર રણનીતિ બનાવવામાં એટલો સમય લીધો કે તેઓ નિર્ધારિત સમયમાં પોતાની 20 ઓવર પણ પૂરી ન કરી શક્યા. સંજૂ સેમસનને આનો માર સહન કરવો પડ્યો હતો.

સ્લો ઓવર રેટ નિયમ શું છે?
દરેક ટીમે તેની 19 ઓવર 85 મિનિટમાં પૂરી કરવાની હોય છે. ICC નિયમ કહે છે કે જો 20મી ઓવર 85 મિનિટ સુધી શરૂ ન થાય તો ફીલ્ડિંગ ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત છે. તેથી છેલ્લી ઓવરમાં પાંચને બદલે માત્ર ચાર ફિલ્ડરને 30 યાર્ડ સર્કલની બહાર રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય મેચ ફીમાં પણ ઘટાડો કરવાની જોગવાઈ છે. ભૂલનું પુનરાવર્તન થવા પર મેચ પર પ્રતિબંધ પણ લાગી શકે છે.

નિશ્ચિત સમય સુધી પૂરી ન કરી 20 ઓવર
રાજસ્થાન રોયલ્સ નિશ્ચિત સમયમાં 20 ઓવર પૂરી ન કરી શકી અને તેના કારણે કપ્તાન સંજૂ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલ આચાર સંહિતા હેઠળ સંજૂની ટીમની આ પહેલી ભૂલ હતી એટલે માત્ર કપ્તાન પર દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાન જો બીજી વખત પણ આવી જ ભૂલ કરે છે તો પછી ટીમના અન્ય ખેલાડીઓને પણ તેનો દંડ ભોગવવો પડી શકે છે. આઇપીએલ તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ટીમનો આઇપીએલ આચાર સંહિતા હેઠળ સ્લો ઓવર રેટ સાથે જોડાયેલો પહેલો ગુનો છે એટલે કપ્તાન સંજૂ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

સંજૂ સેમસનનું ખરાબ સ્વરૂપ
IPLમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજૂ સેમસન અચાનક ખરાબ ફોર્મની પકડમાં આવી ગયો છે. તે સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. સંજૂના બેટમાંથી રન નથી આવી રહ્યા. જોકે, તેમ છતાં રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધી રમાયેલી ચારમાંથી ત્રણ મેચ જીતી છે. સંજૂએ પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી. બીજી મેચમાં પણ તેના બેટમાંથી વિસ્ફોટક ઇનિંગ્સ આવી હતી. આ પછી, તેનું બેટ આગામી બે મેચોમાં શાંત થઈ ગયું, પરંતુ સારી વાત એ છે કે જોસ બટલરનું બેટ દરેક મેચમાં ચાલી રહ્યું છે. બોલિંગ યુનિટ પણ સારું પ્રદર્શન કરી રહી છે. અશ્વિન અને ચહલની સ્પિન, જેસન હોલ્ડર, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટની ફાસ્ટ બોલિંગ અત્યાર સુધી સામેની ટીમના બેટ્સમેનો પર દબાણ બનાવવામાં સફળ રહી છે.