• ICCએ પ્લેયર ઓફ ધ મન્થ માટે નામ જાહેર કર્યા
  • ફેબ્રુઆરી માટે 3 ખેલાડીઓના નામ જાહેર કર્યા
  • આ યાદીમાં ભારતના યશસ્વી જયસ્વાલનું નામ

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ICCનો મોટો એવોર્ડ મળી શકે છે. ICCએ ફેબ્રુઆરી માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેશન તરીકે 3 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનરનું પણ નામ છે. ભારતના યશસ્વી જયસ્વાલનો મુકાબલો ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને શ્રીલંકાના પથુમ નિસાંકા સાથે છે.

કેન વિલિયમસને ફટકારી સદી

કેન વિલિયમસન માટે આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો ઘણો ખાસ રહ્યો છે. તેણે સતત સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. કેન વિલિયમસને માઉન્ટ મૌંગાનુઇ ખાતેની પ્રથમ ટેસ્ટમાં બે સદી ફટકારી હતી અને પછી હેમિલ્ટનમાં ચોથી ઇનિંગ્સના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા અણનમ 133 રન બનાવ્યા હતા. કેન વિલિયમસનની આ સદીઓને કારણે ન્યૂઝીલેન્ડ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું હતું,

ઈંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારી

યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો, તેણે ઈંગ્લેન્ડ સામે બે બેક ટુ બેક બેવડી સદી ફટકારીને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. વિશાખાપટ્ટનમમાં તેણે પ્રથમ ઈનિંગમાં 209 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને ત્યારબાદ રાજકોટમાં ટેસ્ટની બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારીને ભારતને સીરિઝમાં લીડ લેવામાં મદદ કરી હતી. યશસ્વી જયસ્વાલ હાલમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં 971 રન બનાવ્યા છે અને ટૂંક સમયમાં તે તેના 1000 રન પૂરા કરી શકે છે. જયસ્વાલે રાજકોટ ટેસ્ટમાં પોતાની ઇનિંગ દરમિયાન 12 સિક્સર ફટકારી હતી અને વસીમ અકરમના જૂના રેકોર્ડની બરાબરી કરી હતી. 22 વર્ષ અને 49 દિવસની ઉંમરે બેક ટુ બેક સેન્ચુરીએ તેને સર ડોન બ્રેડમેન અને વિનોદ કાંબલી પછી ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે.ૉ

પથુમ નિસાંકા પણ રેસમાં

આ પછી જો શ્રીલંકાના પથુમ નિસાંકાની વાત કરીએ તો તેણે ફેબ્રુઆરીમાં પણ પોતાની ટીમ માટે શાનદાર બેટિંગ કરી હતી. તે ODIમાં બેવડી સદી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામે પલ્લેકેલેમાં માત્ર 139 બોલમાં અણનમ 210 રન બનાવ્યા હતા. આ પછી પણ તેણે બીજી મેચમાં 101 બોલમાં 118 રનની ઇનિંગ રમી હતી. નિસાંકાએ વનડેમાં એક જ મેચમાં શ્રીલંકાના બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર બનાવવાનો સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. જયસૂર્યાએ 2000માં શારજાહમાં ભારત સામે 189 રન બનાવ્યા હતા.

  • Follow us on: