- રેન્કિંગના આધાર પર ટીમોની પસંદગી કરવામાં આવશે
- ઓલિમ્પિકમાં સ્થાન માટે ક્રિકેટની રમતે અનેક માપદંડ પર પાસ થવું પડશે
- ઓલિમ્પિકની આયોજન સમિતિ સામે 6-6 મહિલા અને પુરુષ ટીમોને મોકલવાનો પ્રસ્તાવ રખાયો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા 2028ના લોસ એન્જેલ્સ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાના મિશનને તેજ કરી દેવાયું છે. તેણે ઓલિમ્પિકની આયોજન સમિતિ સામે 6-6 મહિલા અને પુરુષ ટીમોને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેને લઇને હવે આખરી નિર્ણય આ વર્ષના ઓક્ટોબરમાં કરવામાં આવશે. અહેવાલો અનુસાર આ અગાઉ આયોજનકર્તા માર્ચમાં નવી રમતોની આખરી યાદી તૈયાર કરી લેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી)ની આગામી બેઠક મુંબઈમાં આયોજિત થવાની છે. આ દરમિયાન ક્રિકેટને લઇને આખરી નિર્ણય કરવામાં આવી શકે છે. બીસીસીઆઈના સચિવ જય શાહને આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેની અધ્યક્ષતા ધરાવતી આઈસીસીના ઓલિમ્પિક વર્કિંગ ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. તેની સાથે ઇન્દિરા નૂઇ અને પરાગ મરાઠે પણ સામેલ છે.
જય શાહને કેમ મળી છે ખાસ જવાબદારી?
જય શાહને આ સમિતિમાં સામેલ કરવા પાછળ એક ખાસ વ્યૂહરચના છે. શાહને 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આઈસીસીનું માનવું છે કે શાહની ભાગીદારી ક્રિકેટની રમતને રમતના સૌથી મોટા વૈશ્વિક કાર્યક્રમમાં સામેલ કરવા માટે આઈસીસીની સાથેની પોતાની વાતચીતમાં એક મહત્ત્વપૂર્ણ અને સંભવિત પ્રભાવશાળી જોર આપી શકે છે.
રેન્કિંગના આધાર પર ટીમોની પસંદગી કરવામાં આવશે
આઈસીસીના પ્રસ્તાવ અનુસાર મહિલા અને પુરુષ એમ બન્ને વર્ગમાં એક નિશ્ચિત તારીખ સુધીમાં ટોચના છ ક્રમમાં રહેનારી ટીમોને ઓલિમ્પિકમાં રમવાની તક આપવામાં આવશે. પાછલા વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ક્રિકેટને સમીક્ષા ખેલોમાં સામેલ કરી લીધું હતું. બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, બ્રેક ડાન્સિંગ, કરાટે, કિક બોક્સિંગ, સ્ક્વેશ અને મોટરસ્પોર્ટ્સને પણ તેમાં સ્થાન મળ્યું છે.
ઓલિમ્પિકમાં સ્થાન માટે ક્રિકેટની રમતે અનેક માપદંડ પર પાસ થવું પડશે
ક્રિકેટની રમત 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં દેખાઇ શકે છે. પાછલી વાર 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટની રમત રમાઇ હતી. ત્યારે બ્રિટન અને યજમાન દેશ ફ્રાન્સની ટીમો જ રમી રહી હતી. ઓલિમ્પિકમાં સામેલ થવા માટે રમતે કેટલાક માપદંડ પર પાસ થવું પડે છે. તેમાં બે સૌથી મોટી શરતો ખર્ચ અને ઓછામાં ઓછી જટિલતા છે. આ ઉપરાંત ખેલાડીઓનું સ્વાસ્થ્ય, વૈશ્વિક અપીલ, યજમાન દેશનું હિત, લૈંગિક સમાનતા, યુવાનો માટે પ્રાસંગિકતા અને લાંબા ગાળાની સ્થિરતાને પણ જોવામાં આવે છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની પ્રશંસા થઇ રહી છે
બર્મિંઘમમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન દર્શકોની મોટી સંખ્યા જોવા મળી હતી. તેને પરિણામે આઈસીસી ઉત્સાહિત છે. ઓલિમ્પિકમાં ફક્ત મહિલા જ નહીં, પણ મેન્સ ટીમને પણ સામેલ થવું પડશે.