- ભારત 578 ટેસ્ટમાં 177 વિજય અને 178 પરાજય મેળવી ચૂક્યું છે
- ભારતે પ્રથમ ટેસ્ટ 1932માં રમી હતી અને ત્યારથી અત્યાર સુધી 578 ટેસ્ટ રમી છે
- વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ટીમોએ પરાજય કરતાં વિજય વધારે મેળવ્યા છે
ઇંગ્લેન્ડ સામેની વર્તમાન પાંચ ટેસ્ટ મેચની ચાર મેચ બાદ ભારતે 3-1ની લીડ સાથે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. રોહિત શર્માની ટીમ હવે ધર્મશાલામાં રમાનારી છેલ્લી ટેસ્ટ પહેલાં ટૂંકા વેકેશન ઉપર છે અને ભારત જો આ ટેસ્ટ મેચ જીતશે તો તેના ટેસ્ટ ઇતિહાસમાં વિજય અને પરાજયનો આંકડો સરખો થઇ જશે. ભારતે પ્રથમ ટેસ્ટ 1932માં રમી હતી અને ત્યારથી અત્યાર સુધી 578 ટેસ્ટ રમી છે. તેમાં ભારતે 177 મુકાબલામાં વિજય અને 178 મેચોમાં પરાજયના પરિણામ મેળવ્યા છે. ભારત ધર્મશાલામાં જીતશે તો તેના વિજયનો આંકડો પણ 178નો થઇ જશે. વિશ્વ ક્રિકેટમાં માત્ર ચાર ટીમોએ પરાજય કરતાં વિજય વધારે મેળવ્યા છે જેમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડે 392 વિજય અને 323 પરાજય મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 412 વિજય અને 232 પરાજય, સાઉથ આફ્રિકાએ 178 વિજય અને 161 પરાજય તથા પાકિસ્તાને 148 વિજય અને 142 પરાજય મેળવ્યા છે. ઘરઆંગણે ભારતે 288 ટેસ્ટ રમી છે અને 117 મેચોમાં વિજય હાંસલ કર્યો હતો. 55 મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડયો હતો. ઘરઆંગણે એક ટેસ્ટ ટાઇ થઇ હતી અને 15 મુકાબલા ડ્રો રહ્યા હતા. વિદેશમાં ભારતે 290 મેચો રમી છે અને 60 મેચ જીતી હતી. ભારતને 123 મુકાબલામાં હાર તથા 107 મેચમાં ડ્રોનું પરિણામ મળ્યું હતું.










