- બાબરસેના નેધરલેન્ડ્સને હળવાશથી લેવાની મૂર્ખામી કરશે નહીં
- પાકિસ્તાને તેની ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર
- બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન શાનદાર ફોર્મ માં
પાકિસ્તાન વર્લ્ડ કપમાં શુક્રવારે જ્યારે નેધરલેન્ડ્સ સામે મેદાનમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે મેદાનમાં ઊતરશે ત્યારે બાબરસેના પોતાની ખામીઓ દૂર કરવા તથા સ્ટાર ખેલાડીઓ ફોર્મ માં પરત ફરશે તેવી આશા રાખશે. એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફ્ળ રહ્યા બાદ બંને વોર્મ-અપ મેચમાં પરાજય મળ્યા બાદ પાકિસ્તાને વર્લ્ડ કપના નોકઆઉટ સુધી સફર કરવી હોય તો તેણે પોતાની રમતમાં સુધારો કરવો પડશે. પાકિસ્તાનની સમસ્યા ટોચના ક્રમ સાથે શરૂ થાય છે. તેના ઓપનર્સ પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે.
ઇમામ ઉલ હક નેધરલેન્ડ્સ સામે ઓપનિંગ કરી શકે છે પરંતુ ટીમને ખરાબ ફોર્મ નો સામનો કરી રહેલા ફ્ખર ઝમાન અને અબ્દુલ્લા શફીક માંથી કોઇ એકને તેના સાથી તરીકે પસંદ કરવો પડશે. ત્રીજા અને ચોથા ક્રમે બેટિંગ કરનાર સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન શાનદાર ફોર્મ માં છે જે પાકિસ્તાન માટે સૌથી સકારાત્મક બાબત છે. જોકે વિશ્વની અન્ય ટીમોની જેમ પાકિસ્તાનના ખેલાડીઓ આઇપીએલમાં રમતા નહીં હોવાના કારણે તેમને વિવિધ પરિસ્થિતિમાં તાલમેલ બેસાડવામાં મુશ્કેલી નડી શકે છે.










