• રોહિત વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સદીની હેટ્રિક નોંધાવવાની તક ચૂક્યો

  • રોહિતે બાંગ્લાદેશ સામે 2015 તથા 2019ના વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી
  • રનચેઝ કરવાના મામલે રોહિતના નામે 754 રન નોંધાયા છે

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિતે 50 રન પૂરા કરવાથી બે રન દૂર રહ્યો હતો. તેણે અડધી સદી જ નહીં પરંતુ બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપમાં સદીની હેટ્રિક પૂરી કરવાની તક પણ ગુમાવી હતી. જોકે ભારતીય સુકાની વર્લ્ડ કપમાં રનચેઝ કરવાના મામલે હાઇએસ્ટ રન નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે બાંગ્લાદેશના શાકિબ અલ હસનને પાછળ રાખી દીધો છે. રોહિતે બાંગ્લાદેશ સામે 2015 તથા 2019ના વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી. રનચેઝ કરવાના મામલે રોહિતના નામે 754 રન નોંધાયા છે. ત્યારબાદ આ ઇલિટ ક્લબમાં શાકિબ (743), અર્જુન રણતુંગા (727), સ્ટિફન ફ્લેમિંગ (692), બ્રાયન લારા (681), જેક્સ કાલિસ (680) તથા સચિન તેંડુલકર (656)નો સમાવેશ થાય છે. આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટમાં રોહિતે બાંગ્લાદેશ સામે 2015ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં મેલબોર્ન ખાતે 126 બોલમાં 137, ચેમ્પિયન્સ ટ્રોફી, 2017ની સેમિફાઇનલમાં બર્મિંગહામ ખાતે 129 બોલમાં અણનમ 123, વર્લ્ડ કપ 2019, બર્મિંગહામ ખાતે 91 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી.

કેલેન્ડર વર્ષમાં રોહિતના નામે હાઇએસ્ટ સિક્સર, મોર્ગનનો રેકોર્ડ તોડયો

બાંગ્લાદેશ સામે રનચેઝ કરતી વખતે રોહિત શર્મા પ્રથમ સિક્સર ફટકારવાની સાથે જ સુકાની તરીકે એક જ કેલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ સિક્સર નોંધાવવાના મામલે પ્રથમ ક્રમે પહોંચી ગયો હતો. રોહિતે ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગનનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. મોર્ગને સુકાની તરીકે 2019માં 60 સિક્સર ફટકારી હતી પરંતુ રોહિતે 62 સિક્સર સાથે તેને પાછળ રાખી દીધો હતો. આ મામલે ત્રીજા ક્રમે ડીવિલિયર્સ (2015) 59 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે.


  • Follow us on: