- આચાર સંહિતાના લેવલ-2નું ઉલ્લંઘન બદલ થશે કાર્યવાહી
- હરમનપ્રીતને ચાર ડીમેરિટ પોઈન્ટ મળી શકે છે
- હરમન પર બે મેચો રમવા પર બેન લાગી શકે છે
ICC ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. માહિતી અનુસાર, આચાર સંહિતાના લેવલ-2નું ઉલ્લંઘન કરવા બદલ હરમનપ્રીતને ચાર ડિમેરિટ પોઈન્ટ મળી શકે છે. જો આવુ થાય છે તો હરમનપ્રીતને બે મેચો રમવા પર બેન લાગી શકે છે.
તાજેતરમાં, ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ T20 અને તેટલી જ ODIની સીરિઝ રમાઈ હતી. ટી-20 સીરિઝમાં કોઈ વિવાદ નહોતો થયો, પરંતુ વનડે સીરિઝ વિવાદોથી ભરેલી હતી. બંને ટીમો વચ્ચેની ત્રીજી વનડેમાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો જે ડ્રો થઈ હતી. ત્રીજી ODI દરમિયાન, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને બાંગ્લાદેશી અમ્પાયર તનવીર અહેમદે LBW આઉટ જાહેર કરાઈ હતી. ત્યારબાદ હરમને ગુસ્સામાં તેના બેટથી સ્ટમ્પ પર ફટકાર્યું અને અમ્પાયર સાથે દલીલ કરી. આટલું જ નહીં, મેચ સમાપ્ત થયા બાદ હરમનપ્રીતે બાંગ્લાદેશી અમ્પાયરોની પણ આકરી ટીકા કરી હતી. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ સમગ્ર મામલાને લઈને કડક કાર્યવાહીના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
4 ડિમેરિટ પોઈન્ટ્સ મળશે અને આટલી મેચો પર બેન
માહિતી અનુસાર, આચાર સંહિતાના લેવલ-2નું ઉલ્લંઘન કરવા બદલ હરમનપ્રીતને ચાર ડિમેરિટ પોઈન્ટ મળી શકે છે. હરમનપ્રીતને સ્ટમ્પ પર બેટ મ મારવા બદલ ત્રણ ડિમેરિટ પોઈન્ટ અને મેચ અધિકારીઓની ટીકા કરવા બદલ એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. ચાર ડિમેરિટ પોઈન્ટ મળવાને કારણે હરમનપ્રીત પર બે મેચો પર બેન લાગી શકે છે. જો કે ICCએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં BCCI આ મામલે ICC સાથે વાત કરી રહ્યું છે.
સસ્પેન્શન પોઈન્ટમાં પણ ફેરવાય તો ખેલાડી પર બેન લાગી શકે
ICCના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને 24 મહિનાની અંદર ચાર ડિમેરિટ પોઈન્ટ મળે છે, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં ફેરવી દેવામાં આવે છે અને ખેલાડી પર બેન મૂકવામાં આવે છે. એક ટેસ્ટ કે બે વનડે કે બે ટી20 મેચ પર પ્રતિબંધ મૂકવા માટે બે ડિમેરિટ પોઈન્ટની જરૂર છે. જો હરમનપ્રીતને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો આ સસ્પેન્શન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ દરમિયાન લાગુ થશે. હરમનપ્રીત લેવલ-2 હેઠળ પ્રતિબંધિત પ્રથમ મહિલા ખેલાડી હશે.
ICC નો લેવલ-2 નિયમ શું છે?
તમને જણાવી દઈએ કે લેવલ-2 નો નિયમ મેદાન પર ખેલાડીઓના વર્તન સાથે સંબંધિત છે. અમ્પાયરના નિર્ણય સાથે ગંભીર અસંમતિ વ્યક્ત કરવી, મેચ સંબંધિત ઘટના અથવા મેચ અધિકારીઓની જાહેરમાં ટીકા કરવી, મેચના સાધનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો, અમ્પાયર અથવા અધિકારી પર આક્રમક રીતે બોલ ફેંકવો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ ICC લેવલ-2 ગુનો ગણવામાં આવે છે.
હરમનને 2017માં પણ ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા
જો હરમનપ્રીત કૌર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થશે તો તે વેદ કૃષ્ણમૂર્તિની વિશેષ યાદીમાં સામેલ થશે. અત્યાર સુધી, વેદ એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે જે બે વખત આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે. હરમનપ્રીતને અગાઉ 2017 વર્લ્ડ કપ દરમિયાન ડીમેરિટ પોઈન્ટ મળ્યા હતા. ત્યારપછી હરમને ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ મેચ દરમિયાન ગુસ્સામાં પોતાનું હેલ્મેટ જમીન પર ઉતારી દીધું હતું, જેને લેવલ-1નો ગુનો ગણવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 29 મહિલા ક્રિકેટર એવી છે જેઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે.