ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે પર્થ ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અચાનક ભારત પરત ફરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ સામે આવી રહ્યું છે.


કેમ ભારત પરત ફરી રહ્યો છે ગૌતમ ગંભીર?

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોચ ગૌતમ ગંભીર ગંભીર પારિવારિક કારણોસર અચાનક ભારત પરત ફરી રહ્યા છે. જો કે બીજી ટેસ્ટ મેચ પહેલા ગંભીર ફરી ઓસ્ટ્રેલિયા પહોંચીને ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને કેનબેરામાં બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની છે, જેમાં ગંભીર ટીમ સાથે નહીં હોય. આ પ્રેક્ટિસ મેચ 30 નવેમ્બરથી શરૂ થશે.


બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી રમાશે

પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ એક દિવસ પહેલા જ ખતમ થઈ ગઈ હતી. જે બાદ બીજી ટેસ્ટ મેચ માટે ઘણો સમય બાકી છે. બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ પહેલા ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ વાપસી કરી રહ્યો છે. જે બાદ રોહિત ફરીથી ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.


પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની કમાન જસપ્રીત બુમરાહના હાથમાં હતી. આ મેચમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બોલિંગથી લઈને બેટિંગમાં ટીમ ઈન્ડિયા યજમાન ઓસ્ટ્રેલિયા કરતા ઘણી આગળ હતી. પર્થ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: