ભારતીય ટીમના ફાસ્ટ બોલર અને કેપ્ટન જસપ્રીત બુમરાહે શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો હતો. તેણે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચમાં પાંચ વિકેટ લઈને કાંગારૂ ટીમની કમર તોડી નાખી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં તેની 5 વિકેટ ઝડપવાની સાથે જ તે સેના દેશો (ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ) વચ્ચે સંયુક્ત રીતે સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર બોલર બની ગયો.

બુમરાહે કપિલ દેવની કરી બરાબરી

ભારતીય ફાસ્ટ બોલરે અહીં કપિલ દેવની બરાબરી કરી હતી. હવે બંને ખેલાડીઓના નામે સેના દેશોમાં 8 વખત 5 વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે. બુમરાહે પર્થ ટેસ્ટના બીજા દિવસે કાંગારૂ ટીમના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીને તેના પહેલા જ બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેરીએ આ મેચમાં 31 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. કેરી ઉપરાંત, બુમરાહે ઓપનર નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ અને કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સની પણ વિકેટ લીધી હતી.

https://twitter.com/mufaddal_vohra/status/1860149562549432441

આવું કરનાર બુમરાહ એકમાત્ર બોલર

બુમરાહે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યો હતો. સ્મિથ અહીં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ સાથે બુમરાહ સ્મિથને ગોલ્ડન ડક પર આઉટ કરનાર પ્રથમ બોલર બન્યો. સ્મિથ તેની કારકિર્દીમાં માત્ર બે વખત ગોલ્ડન બન્યો હતો. અગાઉ 2014માં તેને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

રોહિતની જગ્યાએ બુમરાહ કરી રહ્યો છે કેપ્ટનશિપ

ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની સિરીઝની શરૂઆતની મેચમાં નિયમિત સુકાની રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહને કેપ્ટનશીપની જવાબદારી છે. આ મેચ પહેલા બુમરાહે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક ટેસ્ટમાં કેપ્ટનશિપ પણ કરી હતી જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં ભારતની છેલ્લી બે સિરીઝ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં આ મેચ પહેલા 7 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેણે 21.25ની એવરેજથી 32 વિકેટ ઝડપી હતી.