ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી એડિલેડમાં રમાશે. જેના માટે બંને ટીમો એડિલેડમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમની કમાન સંભાળશે, જ્યારે બીજી મેચમાંથી ત્રણ ખેલાડીઓને બહાર કરવામાં આવે તેવી શક્યતા છે.


આ 3 ખેલાડીઓની થશે છુટ્ટી

રોહિત શર્મા અને શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યા ન હતા, પરંતુ હવે બંને ખેલાડીઓ પરત ફર્યા છે. જે બાદ એ નિશ્ચિત માનવામાં આવે છે કે એડિલેડ ટેસ્ટમાંથી દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલના કાર્ડ હટાવવામાં આવશે. પર્થ ટેસ્ટમાં આ બંને બેટ્સમેનોનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેથી સરફરાઝ ખાનને ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેવું લાગતું નથી. સરફરાઝને પર્થ ટેસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તે PM XI સાથે રમાયેલી પિંક બોલની વોર્મ-અપ મેચમાં રમતા જોવા મળ્યો હતો.


કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર ફરી બદલાશે

પર્થ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો, પરંતુ હવે રોહિત શર્માની વાપસી બાદ રાહુલના બેટિંગ ઓર્ડરમાં ફરી ફેરફાર થઈ શકે છે. રાહુલ ફરી એકવાર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.


સિરીઝમાં 1-0થી આગળ છે ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પ્રથમ મેચ 295 રને જીતી લીધી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. WTC ફાઈનલના દૃષ્ટિકોણથી ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમે આ સિરીઝ ઓછામાં ઓછા 4-0થી જીતવી પડશે.


  • Follow us on: