- ODI સીરિઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું
- મેચ પૂર્ણ થતા જ આર. અશ્વિન ફરી મેદાનમાં ઉતર્યા
- રવિચંદ્રન અશ્વિનનો મેચ પછીનો વીડિયો આવ્યો સામે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સીરિઝ 22 સપ્ટેમ્બરે મોહાલી ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 5 વિકેટથી જીતીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. લગભગ 21 મહિના પછી ODI ટીમમાં પરત ફરેલા અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો મેચ પછીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે નેટ્સમાં મોડી રાત સુધી બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.
મેચ પૂર્ણ થતા ફરી મેદાનમાં અશ્વિન
રવિચંદ્રન અશ્વિન ઘણીવાર મેદાન પર કંઈક અલગ કરવા માટે ઓળખાય છે. મેચ પૂરી થતાની સાથે જ તેમણે પોતાના પેડ પહેર્યા અને પ્રેક્ટિસ કરવા માટે સીધા મેદાનની વચ્ચેની પીચ પર ગયા. આ દરમિયાન કોચ રાહુલ દ્રવિડ પણ તેમની સાથે હતા જેમણે ફિલ્ડરની ભૂમિકા ભજવી હતી. અશ્વિનનું આ પગલું જોઈને ભૂતપૂર્વ ખેલાડીઓ અભિષેક નાયર અને માર્ક વો, જેઓ તે સમયે હાજર બ્રોડકાસ્ટિંગ ટીમનો ભાગ હતા, તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ તેઓએ તેની પ્રશંસા પણ કરી.
ODI વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં વધુ સમય બાકી નથી, તેથી બધાની નજર ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં અશ્વિનના પ્રદર્શન પર ટકેલી છે. મોહાલીમાં રમાયેલી પ્રથમ ODI મેચમાં તેણે 10 ઓવરમાં 47 રન આપીને માર્નશ લાબુશેનના રૂપમાં 1 વિકેટ લીધી હતી.
અક્ષરનું સ્થાન અશ્વિનને મળી શકે છે
અક્ષર પટેલ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેમને ઓસ્ટ્રેલિયા સામેની આ સીરિઝની પહેલી 2 વનડેમાં સામેલ કરવામાં આવ્યા નથી. જો અક્ષર વર્લ્ડ કપ માટે ફિટ નથી તો તેમના વિકલ્પ તરીકે અશ્વિનને જોવામાં આવી રહ્યા છે. અશ્વિન પણ નીચલા ક્રમમાં બેટ્સમેન તરીકે ટીમ માટે ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમ 28 સપ્ટેમ્બર સુધી કોઈપણ પરવાનગી વિના બદલી શકાશે.