- ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી
- બંને ટીમના ખેલાડીનું હોટલમાં કરાયું સ્વાગત
- 27 સપ્ટેમ્બરે રાજકોટ બંને દેશ વચ્ચે રમાશે ત્રીજી વનડે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું રાજકોટમાં આગમન થયું છે. બંને ટીમને એરપોર્ટથી હોટેલ લઈ જવામાં આવી હતી. જેથી હોટલમાં બંને ટીમના સ્ક્વોડનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રમવામાં આવશે. અત્યાર સુધી રમવામાં આવેલી 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. પ્રથમ મેચમાં ભારતની 5 વિકેટે અને બીજી મેચમાં 99 રને જીત થઈ હતી.
આવતીકાલે બંને ટીમ કરશે પ્રેક્ટિસ
27 સપ્ટેમ્બરે રમાનારી સીરિઝની અંતિમ મેચ માટે આવતીકાલે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે. જે બાદ સાંજના સમયે બંને ટીમ પત્રકાર પરિષદને સંબોધન કરશે. ભારતીય ટીમ આ સીરિઝમાં 2-0થી આગળ છે. જેથી ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયા મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે.
ગિલ અને શાર્દુલને આપવામાં આવશે આરામ
મળતી માહિતી મુજબ, ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ બંને ખેલાડી ગુવાહાટીમાં ટીમ જોઈન્ટ કરશે. વર્લ્ડકપ પહેલાં રમાનારી વોર્મઅપ મેચમાં ભારત પ્રથમ મેચ ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. જો કે, ટીમ વર્લ્ડકપમાં પ્રથમ લીગ મેચ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.
ભારતીય ટીમમાં થશે આ ફેરફાર
બીજી વનડે મેચમાં ન રમનારા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ત્રીજી વનડેમાં વાપસી થશે. બુમરાહને શાર્દુલની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવની વાપસી પણ નક્કી છે. જેથી ટીમમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. ગિલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા આવશે.
ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી









