• ભારત અને ઓસ્ટ્રેલિયા મેચમાં બની રમુજી ઘટના
  • મેચ દરમિયાન ફેન્સ પહોંચ્યો મેદાનમાં 
  • વિરાટ કોહલી તેને બહાર મોકલતા જોવા મળ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ મેચની શરૂઆતમાં જ એક રમુજી ઘટના બની. મેદાનમાં ઘૂસણખોરી કરવા માટે જાણીતો ઇંગ્લિશ ક્રિકેટ ફેન જાર્વો-69 ફરી એકવાર મેદાનમાં ઉતર્યો. તેણે આ એન્ટ્રી ત્યારે કરી જ્યારે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પહોંચ્યા હતા.

અહીં જાર્વો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને જોવા મળ્યો હતો. તેણે પોતાની જર્સી નંબર 69 જ રાખ્યો હતો. તેણે ખૂબ જ ચતુરાઈથી સ્ટેડિયમની સુરક્ષાને ચકમો આપીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તસવીરોમાં તે કેએલ રાહુલ સાથે જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં વિરાટ કોહલી તેને બહાર મોકલતો પણ જોવા મળી રહ્યો છે.

જાર્વો આ પહેલા પણ ક્રિકેટ મેચ દરમિયાન ઘણી વખત મેદાનમાં ઘૂસણખોરી કરી ચૂક્યો છે. વર્ષ 2021માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં તે પહેલીવાર આવું કામ કરતો જોવા મળ્યો હતો. તે ભારતીય ટેસ્ટ જર્સી પહેરીને પીચ પર પણ પહોંચ્યો હતો. જાર્વોન આ સીરિઝની ચારેય ટેસ્ટ મેચોમાં ઘૂસણખોરી કરીને હેડલાઈન્સ બનાવી હતી.

જાર્વોએ માત્ર ક્રિકેટ જ નહીં ફૂટબોલના મેદાનમાં પણ ઘુસણખોરી કરી છે. ગયા વર્ષે ચેમ્પિયન્સ લીગની ફાઈનલ મેચમાં પણ તે મેદાનમાં ઉતર્યો હતો. જોકે, વર્લ્ડ કપ 2023માં જાર્વોની એન્ટ્રીએ તેને ફરીથી સોશિયલ મીડિયા પર સ્ટાર બનાવી દીધો છે. ક્રિકેટ ફેન્સ તેના વિશે સતત પોસ્ટ કરી રહ્યા છે.

  • Follow us on: