ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાશે. 22 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર જોવા જેવો રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. જોકે, ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયાની આ રણનીતિ સાથે સહમત નથી. ચેતેશ્વર પુજારાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે કેએલ રાહુલને ક્યારેય ઓપન નહીં કરાવે અને તેણે તેનું કારણ પણ આપ્યું હતું.

પૂજારાએ રાહુલને ઓપન ન કરવાની આપી સલાહ

ચેતેશ્વર પૂજારાએ કહ્યું, 'મને બેટિંગ ઓર્ડરની ખબર નથી પરંતુ હું KL રાહુલને નંબર 3 પર બેટિંગ કરાવીશ. કેએલ રાહુલને દબાણ સહન કરવાનો અનુભવ છે. મેં સાંભળ્યું છે કે પડિક્કલ 3 નંબર પર બેટિંગ કરી શકે છે કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયા જમણા અને ડાબા હાથનું કોમ્બિનેશન ઈચ્છે છે. પરંતુ મને લાગે છે કે કેએલ રાહુલ માટે ફર્સ્ટ ડાઉન પર બેટિંગ કરવી સરળ રહેશે.

અનોફિશિયલ ટેસ્ટમાં ફ્લોપ થયો રાહુલ

કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા A સામેની મેચમાં પણ ઓપનિંગ કરવા માટે તૈયાર જણાતો ન હતો. આ ખેલાડી ઓસ્ટ્રેલિયા A સામેની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. રાહુલ પ્રથમ દાવમાં માત્ર 4 રન અને બીજી ઈનિંગમાં 10 રન જ બનાવી શક્યો હતો. રાહુલ પર્થમાં ઓપનિંગ કરશે તે ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે. રાહુલ માટે એ પણ ચિંતાનો વિષય છે કે તેનું ફોર્મ સારું નથી ચાલી રહ્યું. આ ઉપરાંત ટેસ્ટ ટીમમાં તેના સ્થાન પર પણ સવાલો ઉભા થયા છે. હવે જો રાહુલ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ નિષ્ફળ જાય છે તો તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.