બીજા દિવસની રમત સમાપ્ત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા અને 157 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ભારતીય ટીમની બેટિંગ નબળી રહી હતી અને ટીમે 128 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 29 રન પાછળ છે. સ્ટમ્પના સમયે રિષભ પંત 28 રન અને નીતિશ રેડ્ડી 15 રન સાથે ક્રિઝ પર હાજર હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે બે-બે જ્યારે મિચેલ સ્ટાર્કને એક વિકેટ મળી હતી.
પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યા બાદ બીજી ઇનિંગમાં ભારતીય ટીમની બેટિંગ ઘણી નબળી રહી હતી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી નિષ્ફળ રહી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી શકી નહીં. રાહુલ સૌથી પહેલા આઉટ થયો હતો જેને 7 રનના સ્કોર પર કમિન્સે પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ બોલેન્ડે યશસ્વી (24) અને વિરાટ કોહલી (11)ને આઉટ કરીને ભારતને બેવડો ઝટકો આપ્યો હતો. શુભમન ગિલ પણ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો અને તે 28 રનના સ્કોર પર સ્ટાર્કના હાથે બોલ્ડ થયો હતો. બીજા દાવમાં પણ કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું, જે કમિન્સના બોલ પર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. ભારતે તેના પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ શનિવારે એક વિકેટે 86 રનથી રમત શરૂ કરી હતી અને 251 રન બનાવવા માટે છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી હતી. શરૂઆતના સત્રમાં ટીમે મેકસ્વીની (39), સ્ટીવ સ્મિથ (2) અને માર્નસ લાબુશેનના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. લાબુશેને 64 રન બનાવ્યા હતા. મેકસ્વીની અને સ્મિથને બુમરાહે આઉટ કર્યા હતા, જ્યારે લાબુશેનને નીતિશ રેડ્ડીએ આઉટ કર્યા હતા.