ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાવાની છે. આ મેચની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે, જ્યાં ઝડપી બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. હેઝલવુડ પર્થમાં પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો, જ્યાં તેણે ભારતના પ્રથમ દાવમાં 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેના આ પ્રદર્શનને કારણે ભારત પ્રથમ દાવમાં માત્ર 150 રનમાં સમેટાઈ ગયું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે ખેલાડીઓની થઈ એન્ટ્રી

તેની ગેરહાજરી સાથે, કાંગારૂ ટીમે મહત્વની ડે-નાઈટ ટેસ્ટ મેચ માટે સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને કવર તરીકે બોલાવ્યા છે. આ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. હેઝલવુડની ગેરહાજરીમાં સ્કોટ બોલેન્ડને બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની શક્યતા વધી ગઈ છે.

https://twitter.com/CricCrazyJohns/status/1862665809556123851

ગયા વર્ષે તેની છેલ્લી ટેસ્ટ રમ્યો હતો બોલેન્ડ

બોલેન્ડની વાત કરીએ તો, તેણે જુલાઈ 2023માં એશિઝ પ્રવાસ પછી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. બોલેન્ડ હાલમાં કેનબેરાના મનુકા ઓવલ ખાતે ભારત સામેની બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં વડાપ્રધાન ઈલેવનનું નેતૃત્વ કરી રહ્યો છે. આ મેચ આગામી ટેસ્ટની જેમ ડે-નાઈટ મેચ હશે. બોલેન્ડને બીજી ટેસ્ટમાં પસંદગી મળી રહી છે કારણ કે તેણે શેફિલ્ડ શીલ્ડમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

છેલ્લી વખત હેઝલવુડે એડિલેડમાં તબાહી મચાવી હતી

હેઝલવુડની ઈજા ઓસ્ટ્રેલિયા માટે એક મોટો ફટકો છે, ખાસ કરીને બોર્ડર-ગાવસ્કર સિરીઝની શરૂઆતની ટેસ્ટમાં તેના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને. ટીમ ચોક્કસપણે તેની બીજી ટેસ્ટમાં ઉણપ અનુભવશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લી વખતે તેણે આ મેદાન પર જોરદાર પ્રદર્શન કર્યું હતું અને 8 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેના પ્રદર્શનની સામે ટીમ ઈન્ડિયા માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ તેનું ઘણું અપમાન થયું હતું. આ જોઈને ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હશે.