ખરાબ ફોર્મ અને ટીકાઓનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે આખરે ફોર્મમાં પરત ફરીને ભારત સામે સદી ફટકારી હતી. સ્મિથે બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી મેચમાં 185 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે, 29 જૂન, 2023 પછી પ્રથમ વખત, તેણે ટેસ્ટમાં સોનો આંકડો પાર કર્યો છે.
સ્ટીવ સ્મિથે વિલિયમસનને પાછળ છોડ્યો
ભારત સામે આ તેની દસમી અને એકંદરે 33મી સદી છે. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 33મી સદી ફટકારતાની સાથે જ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસનના સૌથી વધુ ટેસ્ટ સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જેમના નામે 32 ટેસ્ટ સદી છે.
'ફેબ ફોર'માં સ્મિથ બીજા સ્થાને
આ સદી સાથે, સ્મિથ હવે 'ફેબ ફોર'માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના જો રૂટ, ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને ભારતના વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. સ્મિથ માત્ર રૂટથી પાછળ છે, જે 36 સદી સાથે આ યાદીમાં સૌથી આગળ છે. વિલિયમસન હવે 32 સદી સાથે ત્રીજા અને કોહલી 30 સદી સાથે સૌથી નીચેના ક્રમે છે.
સ્મિથે કૂકની બરાબરી કરી
સ્ટીવ સ્મિથે હવે ઈંગ્લેન્ડના મહાન અને પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની સદીઓની બરાબરી કરી લીધી છે. આ સિવાય તે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં 11મા સ્થાને છે. આ યાદીમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ટોપ પર છે. ઈનિંગની શરૂઆતમાં ઘણો સમય લેનાર સ્મિથે એકવાર સ્થિર થઈને પોતાની ઈચ્છા મુજબ શોટ રમીને સદી ફટકારી હતી.
સ્મિથ-હેડે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા એક સમયે 75/3ના સ્કોર પર લથડી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ હેડ અને સ્મિથે ચોથી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરીને યજમાન ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ગાબા ટેસ્ટનો બીજો દિવસ યજમાન ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. સ્ટીવ સ્મિથે 535 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. જ્યારે ગાબા ખાતે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયેલા ટ્રેવિસ હેડે 152 રનની ઇનિંગ રમી હતી. સ્ટમ્પના સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 405 રન હતો. એલેક્સ કેરી 45 અને મિચેલ સ્ટાર્ક 7 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.