ભારતની અંડર-19 ટીમે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સાથે ભારતે 3 મેચની વનડે સિરીઝમાં કાંગારૂ ટીમનો ક્લીન સ્વીપ કરીને 30 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતે પ્રથમ મેચ 7 વિકેટે અને બીજી મેચ 9 વિકેટના વિશાળ અંતરથી જીતી હતી. છેલ્લી ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 324 રન બનાવ્યા હતા, પરંતુ લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયા નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 317 રન જ બનાવી શક્યું હતું.


ભારતીય બેટ્સમેનોએ કર્યું શાનદાર પ્રદર્શન

ભારત તરફથી રૂદ્ર પટેલે 77 રન અને કેપ્ટન મોહમ્મદ અમાને 71 રનની શાનદાર અડધી સદી રમી હતી. તેમના સિવાય અંતમાં હાર્દિક રાજે 18 બોલમાં 30 રનની કેમિયો ઇનિંગ રમી હતી અને ચેતન શત્માએ 9 બોલમાં 18 રનની મદદથી ટીમ ઇન્ડિયાના સ્કોરને 300ની પાર પહોંચાડ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઓલિવર પીકે 111 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેણે સ્ટીવન હોગન સાથે 180 રનની મહત્વની ભાગીદારી કરી હતી. હોગને 104 રન બનાવ્યા હતા. પરંતુ ઓલિવર અને હોગનની સદીઓ પણ ઓસ્ટ્રેલિયાને જીત સુધી લઈ જઈ શકી નથી.

30 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો

અત્યાર સુધી અંડર-19 સ્તરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચમાં સર્વોચ્ચ સ્કોર 1994માં બન્યો હતો. 1994માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે હતી અને વડોદરામાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમતા 317 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 271 રન જ બનાવી શકી હતી. પરંતુ બંને ટીમોનો કુલ સ્કોર 588 રન હતો, જે કોઈપણ ભારત-ઓસ્ટ્રેલિયા અંડર-19 મેચમાં સૌથી વધુ સ્કોર હતો.

ભારતે બનાવ્યો આ રેકોર્ડ

હવે વર્તમાન સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ પુંડુચેરીમાં રમાઈ હતી. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 324 રન બનાવ્યા અને જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 317 રન બનાવ્યા જે કુલ 641 રન છે. એટલે કે હવે અંડર-19 સ્તર પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં કુલ સ્કોર 641 રન છે, જે એક નવો રેકોર્ડ છે.


  • Follow us on: