બાંગ્લાદેશનો દાવ 127 રનમાં સમેટાયો
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર વરુણ ચક્રવર્તીના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે બાંગ્લાદેશને 19.5 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આમ, બાંગ્લાદેશે પ્રથમ મેચમાં ભારત સામે જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાઝે 32 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. ભારત માટે, અર્શદીપ અને વરુણે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે મયંક યાદવે, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.
અર્શદીપે બાંગ્લાદેશને શરૂઆતના ઝટકા આપ્યા હતા જેમાંથી ટીમ અંત સુધી રિકવર થઈ શકી નહોતી અને તેની બેટિંગ ઘણી નબળી રહી હતી. ત્રણ વર્ષ બાદ ભારત માટે ટી-20 મેચ રમીને પરત ફરેલા વરુણે પ્રભાવિત કર્યા હતા, જ્યારે અર્શદીપે પણ ચુસ્ત બોલિંગ કરીને બાંગ્લાદેશને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. મયંક યાદવે પોતાની T20 કારકિર્દીની પ્રથમ ઓવર ફેંકી હતી અને વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. એકંદરે આ મેચમાં ભારતીય બોલિંગ શાનદાર રહી હતી.