ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2-ટેસ્ટ ક્રિકેટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે ચોથા દિવસે જ બાંગ્લાદેશને હરાવીને મોટી સિદ્ધિ મેળવી છે. રિષભ પંત પ્રથમ ટેસ્ટમાં પોતાના પ્રદર્શનને લઈને ભાવુક થઈ ગયો હતો.
રિષભ પંત થયો ભાવુક
પંતે કહ્યું કે આ ખૂબ જ ખાસ છે, મને ચેન્નાઈમાં રમવાનું પસંદ છે અને ઈજા પછી હું ત્રણેય ફોર્મેટમાં રમવા માંગતો હતો. આ ફોર્મેટમાં આ મારી પ્રથમ મેચ હતી અને આશા છે કે હું રમીશ, વધુ સારું પ્રદર્શન કરીશ. આ મારા માટે ઈમોશનલ મૂમેન્ટ હતી. હું દરેક મેચમાં રન બનાવવા માંગતો હતો. અકસ્માત બાદ ટેસ્ટ ક્રિકેટમાં પાછા આવવું અને મારા ફેવરીટ મેદાન પર રમવું મને સૌથી વધુ ખુશી આપે છે. મને ખબર નથી કે બહારના લોકો શું કહે છે, મેં પરિસ્થિતિને મારી રીતે વાંચવાનો પ્રયાસ કર્યો, જ્યારે તમારી ટીમ 30-3 રન હો ત્યારે તમારે ભાગીદારી બનાવવાની જરૂર છે અને મેં ગિલ સાથે આવું જ કર્યું. જેની સાથે મારો સારો સંબંધ છે તેની સાથે પાર્ટનરશિપ કરવી ખાસ છે.
બાંગ્લાદેશને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ
ભારતે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રને હરાવીને બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 515 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશનો બીજો દાવ 234 રનમાં સમેટાઈ ગયો હતો. રવિચંદ્રન અશ્વિને તબાહી મચાવી હતી અને 6 વિકેટ લીધી હતી. ટેસ્ટમાં આ તેની 37મી 5 વિકેટ હતી અને તેણે આ મામલે મહાન શેન વોર્નની બરાબરી કરી હતી. બાંગ્લાદેશ તરફથી નઝમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રન પર સમાપ્ત થયો હતો. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને ફોલોઓન થવા દીધા વિના 227 રનની લીડ સાથે બેટિંગ કરી હતી. ભારતે તેનો બીજો દાવ 4 વિકેટે 287 રન પર ડિકલેર કર્યો હતો અને કુલ 514 રનની લીડ મેળવી હતી.
આજના દિવસે કેવું રહ્યું બાંગ્લાદેશનું પ્રદર્શન
રવિવારે બાંગ્લાદેશે 4 વિકેટે 158 રનથી રમત શરૂ કરી અને બાકીની 6 વિકેટ ગુમાવી 76 રન ઉમેર્યા. અશ્વિને રવિવારે બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે શાકિબ અલ હસનને પેવેલિયન મોકલ્યો હતો. શાકિબ અને શાંતો વચ્ચે 48 રનની ભાગીદારી થઈ હતી. શાકિબ 25 રન બનાવી શક્યો હતો. તે આઉટ થતાની સાથે જ વિકેટો ખેલવા લાગી હતી. રવિન્દ્ર જાડેજાએ લિટન દાસને સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. લિટન એક રન બનાવી શક્યો હતો. અશ્વિને ટેસ્ટમાં 37મી વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે મેહદી હસન મિરાજ (8) જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.
ભારતીય બોલરો છવાયા
આ પછી જાડેજાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને બુમરાહના હાથે કેચ કરાવ્યો હતો. તેણે 127 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ અશ્વિને તસ્કીન અહેમદને સિરાજના હાથે કેચ કરાવ્યો હતો. તે પાંચ રન બનાવી શક્યો હતો. જાડેજાએ હસન મહમૂદ (7)ને ક્લીન બોલ્ડ કરતાં બાંગ્લાદેશનો દાવ 234 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા શનિવારે ઝાકિર હસન (33), શાદમાન ઇસ્લામ (35), મોમિનુલ હક (13) અને મુશફિકુર રહીમ (13) પેવેલિયન પરત ફર્યા હતા. અશ્વિને શનિવાર સુધી ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે શાદમાન, મોમિનુલ અને રહીમને પેવેલિયન મોકલી દીધા હતા.













