ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ હવે સમાપ્ત થઈ ગઈ છે. સિરીઝની બીજી અને છેલ્લી મેચ ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ મેચના 3 દિવસ વરસાદને કારણે બગડ્યા હતા, આ ત્રણ દિવસોમાંથી 2 દિવસ સુધી રમત પણ શરૂ થઈ શકી ન હતી, તેમ છતાં ભારતીય ટીમે કાનપુર ટેસ્ટ માત્ર 2 દિવસમાં જીતી લીધી હતી. આ મેચ જીતીને ભારતીય ટીમે રેકોર્ડની સિરીઝ બનાવી લીધી છે.


ઘર આંગણે સતત 18મી સિરીઝમાં જીત

ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું છે. આ સાથે ભારતે ઘરઆંગણે સતત ટેસ્ટ સિરીઝ જીતવાના રેકોર્ડમાં વધુ સુધારો કર્યો છે. હવે ભારતે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ભારતે ઘરઆંગણે સતત 17 સિરીઝ જીતી હતી. ઓસ્ટ્રેલિયા આ મામલે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે સતત 10 ટેસ્ટ સિરીઝ જીતી છે.


રોહિત-જયસ્વાલની પાર્ટનરશીપ

ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે ખૂબ જ ઝડપી બેટિંગ કરી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે ટી-20 મેચ ચાલી રહી હોય. કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતને ખૂબ જ ઝડપી શરૂઆત અપાવી હતી. આ પછી અન્ય ખેલાડીઓએ પણ તેને જાળવી રાખ્યો હતો. પ્રથમ દાવમાં રોહિત અને જયસ્વાલ વચ્ચે માત્ર 19 બોલમાં 50 રનની ભાગીદારી થઈ હતી. જે રેડ બોલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રનની ભાગીદારી છે.


21મી સદીમાં પહેલીવાર આવું બન્યું

કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે 34.4 ઓવરમાં 285 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. 21મી સદીમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટીમે 50 ઓવર પહેલા જ પોતાની ઇનિંગ ડિકલેર કરી હોય.

ભારતે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી

ચોથા દિવસે ભારતે સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ભારતે 25 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારી ટીમ બની ગઈ છે. ભારત પહેલા ઓસ્ટ્રેલિયાએ આ કારનામું કર્યું હતું. જેણે વર્ષ 2017માં પાકિસ્તાન સામે 28.1 ઓવરમાં બેવડી સદી પૂરી કરી હતી.

  • Follow us on: