ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત પ્રથમ ટેસ્ટ મેચ માટે પરત ફર્યા છે. આ સિવાય દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર યશ દયાલ અને આકાશ દીપને પણ તક મળી છે. બે મેચોની લાલ બોલની સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે.


શ્રેયસ ઐયર બહાર

સતત ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા શ્રેયસ ઐયરને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળી નથી. દુલીપ ટ્રોફીમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ સિવાય શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

રિષભ પંતની ટેસ્ટ ટીમમાં વાપસી

રિષભ પંતને વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધ્રુવ જુરેલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ડિસેમ્બર 2022માં પંતનો કાર અકસ્માત થયો હતો. ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2022માં રમી હતી. તે પણ પાછો ફર્યો છે. આ સિવાય કેએલ રાહુલ જરૂર પડ્યે વિકેટકીપિંગ પણ કરી શકે છે.


ટીમ ઈન્ડિયામાં ચાર સ્પિનરોનો સમાવેશ

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ચાર સ્પિનરોનો સમાવેશ કર્યો છે. ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જાડેજા અને અશ્વિન બાંગ્લાદેશના બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (wk), ધ્રુવ જુરેલ (wk), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ

  • Follow us on: