ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T-20 સિરીઝ રમાઈ રહી છે. ભારતે અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં આ સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, ફાસ્ટ બોલર હર્ષિત રાણાને અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે તે વર્લ્ડકપથી ભારતીય ટીમ માટે મર્યાદિત ઓવરોનો નિયમિત ભાગ રહ્યો છે.


હર્ષિત રાણાને કેમ નથી મળ્યો મોકો?

BCCIએ બાંગ્લાદેશ સામેની T-20 સિરીઝ માટે મયંક યાદવ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કર્યા હતા. પરંતુ અત્યાર સુધી રમાયેલી મેચોમાં રાણાને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી નથી. પ્રથમ મેચમાં જ અર્શદીપે 3 વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મેળવ્યો હતો, જ્યારે મયંક યાદવે તેની ઝડપી ગતિથી ઘણો પ્રભાવિત કર્યો છે. બંને બોલરો ઉપરાંત હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડી પણ ફાસ્ટ બોલિંગ વિભાગમાં યોગદાન આપી રહ્યા છે. જેના કારણે રાણાને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી રહી નથી.


T-20 વર્લ્ડકપ 2024 પછી ટીમ ઈન્ડિયાનો ભાગ

હર્ષિત રાણાને T20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે. તેને ઝિમ્બાબ્વે સામે રમાયેલી 5 મેચની T-20 સિરીઝમાં પણ તક મળી હતી. પરંતુ અંતિમ અગિયારમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તે જ સમયે, રાણાને શ્રીલંકા પ્રવાસ પર રમાયેલી ODI અને T-20 સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ પછી, બાંગ્લાદેશ સામે તેણે અત્યાર સુધી માત્ર રાહ જ જોઈ છે.

IPLમાં મચાવી હતી ધમાલ

રાણાએ IPL 2024માં પોતાની શાનદાર બોલિંગનું પ્રદર્શન કરીને વિપક્ષી ટીમની પરીક્ષા કરી હતી. સિઝનમાં રમાયેલી 13 મેચોમાં તેણે 9.08ના ઈકોનોમી રેટથી 19 વિકેટ ઝડપી હતી. જો કે રાણા બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા છે.


  • Follow us on: