- આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે
- આ મેચ લખનૌના સ્ટેડિયમ ખાતે રમાશે
- ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઇલેવનમાં કરશે ફેરફાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની 29મી મેચ લખનૌમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે નહીં રમે. રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને તેમણે પોતાની તમામ મેચ જીતી છે. તેથી ઈંગ્લેન્ડ માટે તેની સામે જીત મેળવવી આસાન નહીં હોય.
પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
ટીમ ઈન્ડિયા ટોપ બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં કરે. શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. વિરાટ કોહલી નંબર 3 અને શ્રેયસ અય્યર નંબર 4 પર બેટિંગ કરી શકે છે. કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવને પણ તક મળી શકે છે. પંડ્યા ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે. તે ન્યૂઝીલેન્ડ સામે પણ રમી શક્યો નહોતો. લખનૌમાં યોજાનારી મેચ માટે ભારત અશ્વિનને તક આપી શકે છે. અશ્વિન અનુભવી ઓલરાઉન્ડર છે અને સ્પિન બોલર તરીકે પણ સફળ રહ્યા છે.
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતે સૂર્યકુમાર યાદવને તક આપી હતી. પરંતુ તે માત્ર 2 રન બનાવીને રનઆઉટ થયો હતો. જો કે તે ઈંગ્લેન્ડ સામે ફરી મેદાનમાં ઉતરી શકે છે. આ મેચમાં મોહમ્મદ શમી પણ રમ્યા હતા. તેમણે 5 વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેમણે 5માંથી માત્ર એક મેચ જીતી છે અને 4 મેચ હારી છે. લખનૌમાં ભારત સાથે સ્પર્ધા કરવી તેના માટે આસાન નહીં હોય. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને તેણે તેની તમામ પાંચ મેચ જીતી લીધી છે.
બંને દેશોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન/મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.
ઈંગ્લેન્ડ: ડેવિડ મલાન, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન/હેરી બ્રૂક, મોઈન અલી, સેમ કરેન, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વુડ.