- વનડેમાં હવે ત્રીજી સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટસમેન બન્યા
- રોહિત શર્માના નામે 241 મેચમાં 270થી વધુ સિકસર થઇ
- જયસૂર્યાએ 445 મેચમાં 270 સિક્સર ફટકારી હતી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇન્દોરના ઐતિહાસિક હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. હિટમેન તરીકે ઓળખાતા આ ડેશિંગ બેટ્સમેને જેકબ ડફીને શાનદાર સિક્સ ફટકારી હતી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રોહિતે આ સિક્સ સ્ટ્રેટ ડ્રાઇવથી ફટકારી હતી. શોટ પાછળની તાકાત અને સમયનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બોલ તોફાની રફતારથી સીધો સ્ટ્રેટ બાઉન્ડ્રીની બહાર પડયો.
ત્યારબાદ રોહિતના બેટમાંથી વધુ 4 સિક્સર નીકળી અને તેણે સનથ જયસૂર્યાના સૌથી વધુ વનડે સિક્સર મારવાના રેકોર્ડને તોડી નાખ્યો. આની પહેલાં રોહિત શર્માના નામે 268 સિક્સર હતી, જ્યારે આ મેચમાં તેમણે અડધી સદી ફટકારતા 5 સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે સનથ જયસૂર્યાને પાછળ છોડી દીધા છે.
આ રીતે રોહિતના નામે 241 મેચમાં 270થી વધુ સિક્સર થઈ ગઇ છે, જ્યારે જયસૂર્યાએ 445 મેચમાં 270 છગ્ગા ફટકાર્યા હતા. ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે તે ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ પાસે તેના કરતા વધુ સિક્સર છે, જેણે 301 મેચમાં 331 સિક્સર ફટકારી છે. વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે, જેણે પોતાની કેરિયરમાં 398 મેચ રમી હતી અને 351 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન બીજા છેડે શુભમન ગિલના બેટમાંથી ઘણા રનનો વરસાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે આ નાના મેદાન પર મોટા શોટ લાગવાની આશા હતી. આ મેદાન પર વીરેન્દ્ર સેહવાગે બેવડી સદી ફટકારી હતી. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમે સીરીઝની શરૂઆતની બંને મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.









