• આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાળામાં મેચ રમાશે
  • ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2 વાગ્યે શરુ થશે
  • અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે 116 ODI મેચ રમાઈ છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 21મી મેચ ધર્મશાલામાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો,ભારતનું પલડું ભારે જોવા મળે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 116 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 58 મેચ જીતી છે. ભારતીય ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે.

હેડ ટુ હેડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 ODI મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 58 મેચ જીતી છે. આ સાથે જ તેને 50 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી. ભારતે 90 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝની એક મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચ રાયપુરમાં રમાઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે.

પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ નં. 1

વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ પર છે. તેણે ચાર મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. તેના 8 પોઈન્ટ છે અને નેટ રન રેટ +1.923 છે. ભારત બીજા નંબર પર છે. ભારતે 4 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. તેનો નેટ રન રેટ +1.659 છે. ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. તે આ મેચમાં ભારત માટે નહીં રમે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને તક મળી શકે છે. પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં નહીં રમવાના કારણે ભારત પાસે એક ઓલરાઉન્ડર ખેલાડીની કમી રહેશે. જોકે, ઈશાન કિશન સારો ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ સારૂ પ્રદર્શન કરી શકે છે. સૂર્યકુમાર યાદવ પર પણ વિશ્વાસ કરી શકાય છે.

  • Follow us on: