- ભારત ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું
- ભારતે ન્યુઝીલેન્ડને સેમીફાઇનલમાં 70 રને હરાવ્યું
- વિરાટ કોહલીએ વનડેમાં 50મી સદી ફટકારી
ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીનું મહત્વનું યોગદાન હતું. કોહલી અને અય્યરે બેટિંગમાં સદી ફટકારી હતી જ્યારે શમીએ બોલિંગમાં સાત વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. આ રીતે ભારતે ચાર વર્ષ પહેલા મળેલી હારનો બદલો લીધો હતો.
ભારતે વિશાળ સ્કોર બનાવ્યો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 397 રન બનાવ્યા હતા.પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીએ ભારત માટે 117 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીની 50મી સદી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 80 રન બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વખતની જેમ રોહિત શર્માએ સારી શરૂઆત આપી અને 29 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પ્રથમ ઇનિંગ બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આસાનીથી મેચ જીતી લેશે, પરંતુ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે અંત સુધી લડત આપી હતી. ડેરિલ મિચેલે ન્યૂઝીલેન્ડની આશાઓને અંત સુધી જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો, જેણે 119 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તેની ઇનિંગ ટીમને મદદ કરી શકી ન હતી.
ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત
398 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, તેમ છતાં ન્યુઝીલેન્ડે એવું અનુભવવા દીધું નહીં કે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં છે. કિવી ટીમને શરૂઆતના બંને ઝટકા મોહમ્મદ શમીએ આપ્યા હતા, જેમણે છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ડેવોન કોનવે (13) અને 8મી ઓવરના ચોથા બોલ પર રચિન રવિન્દ્ર (13)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.બે વિકેટ વહેલી પડી ગયા બાદ કેપ્ટન કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 181 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ શમીએ 33મી ઓવરના બીજા બોલ પર કિવિ કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ લઈને આ ભાગીદારી તોડી હતી. વિલિયમસને 73 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 69 રનની ઇનિંગ રમી હતી. શમી અહીં જ ન અટક્યો અને ઓવરના ચોથા બોલ પર ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો.
ન્યુઝીલેન્ડે 220 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ફરી એકવાર ભારતનો હાથ ઉપર હતો. પરંતુ પાંચમી વિકેટ માટે ડેરીલ મિચેલે ગ્લેન ફિલિપ્સ સાથે પાર્ટનરશીપ શરૂ કરી જેનાથી ફરી એકવાર ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું. ફિલિપ્સ અને મિચેલે પાંચમી વિકેટ માટે 75 રન (61 બોલ)ની ભાગીદારી કરી હતી જેને જસપ્રીત બુમરાહે 43મી ઓવરમાં ફિલિપ્સની વિકેટ લઈને તોડી હતી અને ટીમને હળવાશનો અનુભવ કરાવ્યો હતો. આ પછી 44મી ઓવરમાં કુલદીપ યાદવે માર્ક ચેમ્પમેન (02)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ટીમને મોટી રાહત આપતા મોહમ્મદ શમીએ સદી ફટકાર્યા બાદ રમી રહેલા ડેરીલ મિચેલને આઉટ કર્યો હતો. શમીએ 46મી ઓવરમાં મિચેલને આઉટ કર્યો હતો, જે 134 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં શમીની આ પાંચમી વિકેટ હતી. આ પછી 48મી ઓવરમાં મિશેલ સેન્ટનર 09 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો, 49મી ઓવરમાં ટિમ સાઉથી 09 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો અને 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસન પણ 06 રને શમીનો શિકાર બન્યો હતો.
ભારતનું બોલિંગ પ્રદર્શન
ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. દરમિયાન તેણે 9.5 ઓવરમાં 57 રન આપ્યા હતા.આ સિવાય સિરાજ, બુમરાહ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી છે.