• ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત કરી
  • કુલદીપ યાદવનો પાકિસ્તાન સામે જબરદસ્ત રેકોર્ડ છે
  • ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેચ રમશે

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય ટીમે આયર્લેન્ડ સામે રમાયેલી મેચમાં 8 વિકેટના જંગી અંતરથી જીત મેળવી હતી. ન્યૂયોર્કની પિચ પર ભારતીય બોલરોએ આયર્લેન્ડને 96 રનમાં આઉટ કરી દીધું હતું. હવે આ પીચ પર ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે શાનદાર મેચ રમશે. આ મોટી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તે અંગે શંકાની સ્થિતિ ઉભી થઈ છે. રોહિત શર્માએ આયર્લેન્ડ સામે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલમાંથી કોઇને તક ન આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમ છતાં બોલરોના દમ પર ટીમ ઈન્ડિયાએ મોટી જીત હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ નથી ઈચ્છતી કે તેના વિનિંગ કોમ્બિનેશન સાથે ચેડાં થાય, પરંતુ આ મેચમાં પણ જો કુલદીપ યાદવને બહાર રાખવામાં આવે તો તે ટીમ ઈન્ડિયા માટે મોંઘુ સાબિત થઈ શકે છે.

પાકિસ્તાન સામે કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન

વાસ્તવમાં કુલદીપ યાદવનો પાકિસ્તાન સામે જબરદસ્ત રેકોર્ડ છે. તમને કુલદીપ યાદવનો તે જાદુઈ બોલ પણ યાદ હશે, જેના પર તેણે કેપ્ટન બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવ ઘણો અસરકારક સાબિત થઈ શકે છે. તેના આંકડાઓની વાત કરીએ તો કુલદીપે 6 ODI મેચોની 5 ઇનિંગ્સ રમી છે. આમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને 12 વિકેટ ઝડપી. જોકે આ ODI આંકડાઓ છે.


કોલંબોમાં કાળ સાબિત થયો કુલદીપ

કુલદીપે હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ T-20 મેચ રમી નથી. ગત વર્ષે એશિયા કપમાં પાકિસ્તાન સામે કોલંબોમાં રમાયેલી મેચમાં કુલદીપ યાદવ બાબર આઝમની સેના માટે આફત સાબિત થયો હતો. તેણે આ મેચમાં 8 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. ગયા વર્ષે પણ ODI વર્લ્ડકપમાં કુલદીપે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં રોહિત માટે કુલદીપ યાદવને હટાવવાનું આસાન નહીં હોય. હવે સવાલ એ છે કે જો કુલદીપ પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરે છે તો કયા ખેલાડીઓને ટેન્શન હોઈ શકે છે, કયો ખેલાડી આઉટ થઈ શકે છે?

ત્રણ ખેલાડીઓનું વધશે ટેન્શન

આ સવાલનો જવાબ ત્રણ ઓલરાઉન્ડરોના નામમાં છુપાયેલો છે. જો આ મેચમાં કુલદીપ યાદવને સ્થાન મળે છે તો કેપ્ટન રોહિત શર્માએ મોટો નિર્ણય લેવો પડશે. તેઓએ શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી એક ખેલાડીને છોડવો પડશે. આયર્લેન્ડ સામે ત્રણેય ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ માત્ર એક જ ઓવર નાખી હતી. જેમાં તેણે કોઈ વિકેટ લીધા વિના 7 રન આપ્યા હતા. અક્ષર પટેલે 1 ઓવરમાં માત્ર 3 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે શિવમ દુબેને બોલિંગ આપવામાં આવી ન હતી. બેટિંગ કરતા તેને 2 બોલ રમવાનો મોકો મળ્યો. જેમાં તેણે એકપણ રન બનાવ્યો ન હતો.


શિવમ દુબેનું પત્તુ કપાશે 

બાંગ્લાદેશ સામે શિવમ દુબેનું બેટ પણ શાંત હતું, પરંતુ તેણે બોલિંગમાં વધુ સારું પ્રદર્શન કર્યું અને 2 વિકેટ લીધી. આવી સ્થિતિમાં શિવમ દુબેને પોતાનું સ્થાન છોડવું પડે તેવી શક્યતા છે. તેમનો અનુભવ અને પ્રદર્શન જાડેજા અને અક્ષરની તરફેણમાં જઈ શકે છે. કેપ્ટન રોહિત નીચેના ક્રમમાં બેટિંગ ચાલુ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો વિકલ્પ હોઈ શકે છે. તેમના પછી કુલદીપને મૂકી શકાય છે. આ મેચમાં કુલદીપ યાદવને સ્થાન મળે છે કે નહીં અને જો તેને તક મળે છે તો કોનું પત્તું કપાશે તે જોવું રસપ્રદ રહેશે.

  • Follow us on: