ભારતીય હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. જ્યારે પાકિસ્તાનની ટીમની આ પ્રથમ હાર છે. પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ સ્થાને છે જ્યારે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારત અને પાકિસ્તાન બંને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
આ ખેલાડીએ કરી કમાલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પેનલ્ટીનો ફાયદો ઉઠાવ્યો અને બે ગોલ કર્યા. આ બે ગોલના કારણે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે શાનદાર જીત મળી હતી.
ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે
ભારતે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી છે. આ ટુર્નામેન્ટનું ત્રણ વખત ટાઇટલ જીતનાર ભારતીય ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ચીનને 3-0થી, જાપાનને 5-1થી અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. જ્યારે ટીમે દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો મેચ રમી છે.
પાકિસ્તાનની પહેલી હાર
પાકિસ્તાનની ટીમે પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે અત્યાર સુધી કુલ 4 મેચ રમી હતી જેમાં તેણે 2 મેચ જીતી હતી. જ્યારે ટીમે 2 મેચ ડ્રો રમી હતી. પાકિસ્તાને મલેશિયા અને દક્ષિણ કોરિયા સામે 2-2થી ડ્રો રમી હતી, જ્યારે ટીમે જાપાનને 2-1થી અને ચીનને 5-1ના માર્જિનથી હરાવ્યું હતું.