ઇમર્જિંગ એશિયા કપ 2024નો ઓમાનમાં આગાઝ કરવામાં આવ્યો છે. ભારત A આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે અત્યાર સુધી રમાયેલી તમામ મેચો જીતી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારત ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે. ફાઈનલ મેચ 27મી ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.



ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ટક્કર

ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભારતીય ટીમ 25 ઓક્ટોબરે સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાવાની છે. અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમના આંકડા સારા રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતને જીતનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાન અને શ્રીલંકાએ સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જો પાકિસ્તાન સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવવામાં સફળ થાય છે અને ભારત ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લે છે, તો ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 27 ઓક્ટોબરે રમાશે.

ગત વખતે ભારતને લાગ્યો હતો ઊંડો ઘા

વર્ષ 2023માં ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમને યશ ધુલના નેતૃત્વમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતે ટૂર્નામેન્ટનું આયોજન ODI ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 352 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 40 ઓવરમાં 224 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતને આ મેચ 128 રનથી હારવી પડી હતી. પરંતુ આ વખતે તિલક વર્મા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.


શાનદાર ફોર્મમાં છે ટીમ ઈન્ડિયા

ઇમર્જિંગ એશિયા કપ 2024માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ UAEને 7 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે યજમાન દેશ ઓમાનને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતે ફાઈનલ ટાઈટલ જીતવા માટે સેમીફાઈનલ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.

  • Follow us on: