- આવતીકાલે વર્લ્ડકપની હાઈ વોલ્ટેજ મેચ રમાશે
- ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
- ભારતીય ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરી પ્રેક્ટિસ
આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ યોજાશે. આ પહેલા પાકિસ્તાન અને ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. આજે ભારતના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે ભારતના ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી છે.
ગિલ પણ પ્રેક્ટિસમાં જોવા મળ્યો
આવતીકાલની મેચ માટે શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, આર.અશ્વિન સહિતના ખેલાડીઓએ ફૂટબોલ રમીને પ્રેક્ટિસ કરી છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ પિચનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે જ આ પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલ ફિટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ રોહિત શર્માએ કોઈપણ પ્રકારની પીચ પર રમવા માટે તૈયારી દર્શાવી હતી.
પાક. ખેલાડીઓએ પણ કરી હતી પ્રેક્ટિસ
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન અફરિદી સહિતના ખેલાડીઓએ 3 કલાક સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડેન્ગયૂના કારણે વર્લ્ડકપની શરુઆતની મેચ ગુમાવનારા શુભમન ગિલે પણ ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. જેથી આવતીકાલની મેચમાં શુભમન ગિલ રમતો જોવા મળી શકે છે.
બંને દેશ વચ્ચે કુલ 134 વનડે મેચ રમાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 134 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતની 56 મેચમાં, જ્યારે પાકિસ્તાનની 73 મેચમાં જીત થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચના ઈતિહાસમાં 5 મેચ એવી છે. જેમાં કોઈ પરિણામ આવ્યું નથી. સાથે આજ સુધી ભારત અને પાકિસ્તાનની એક પણ મેચ ડ્રો થઈ નથી.









