• ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઇ વરસાદ બનશે વિલન
  • આ હાઈ-પ્રોફાઈલ મેચ પર વરસાદનો ખતરો છે
  • ઓછામાં ઓછી 5-5 ઓવરની રમાઇ શકે છે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T-20 વર્લ્ડકપ મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર આ મેચ ન્યૂયોર્કમાં સવારે 10.30 વાગ્યાથી રમાશે. આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યાથી લાઈવ જોઈ શકાશે. પરંતુ ન્યૂયોર્કના હવામાને કરોડો ચાહકો અને ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.

વરસાદની સંભાવના

ન્યૂયોર્કના હવામાનની એક તસવીર પણ સામે આવી છે, જેમાં ગાઢ વાદળો દેખાઈ રહ્યા છે. મતલબ કે આ હાઈ-પ્રોફાઈલ મેચ પર વરસાદનો ખતરો છે. તમને જણાવી દઈએ કે હવામાનની આગાહી અનુસાર ન્યૂયોર્કમાં સવારે 10 વાગ્યે વરસાદની 61 ટકા સંભાવના છે. આ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વાવાઝોડાની પણ શક્યતા છે.

ઓછામાં ઓછી 5-5 ઓવરની રમાઇ શકે છે મેચ

જો આ મેચ વરસાદથી પ્રભાવિત થાય છે તો શક્ય છે કે મેચની ઓવર DLSના આધારે ઓછી કરવામાં આવે. મેચનું પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની બેટિંગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ગ્રુપ સ્ટેજની મેચો માટે રિઝર્વ ડેની કોઈ જોગવાઈ નથી. જો વરસાદ અથવા ખરાબ પ્રકાશને કારણે મેચ રમી શકાશે નહીં, તો મેચ રદ કરવામાં આવશે અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે.


ટીમ ઈન્ડિયાને એક પોઈન્ટનું થશે નુકસાન

જો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળે છે તો ટીમ ઈન્ડિયાને થોડું નુકસાન થઈ શકે છે કારણ કે તે હાલમાં સારી સ્થિતિમાં છે અને પાકિસ્તાનને હરાવી શકે છે. અમેરિકા સામે હાર્યા બાદ પાકિસ્તાનનું મનોબળ નીચું છે. આવી સ્થિતિમાં તેને એક પોઈન્ટનો ફાયદો મળી શકે છે, પરંતુ તેમ છતાં તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર રહેશે. ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં યુએસએ અત્યારે ટોપ પર છે. 2 મેચ જીત્યા બાદ યુએસએના 4 પોઈન્ટ છે.

પીચને લઇ થયો વિવાદ

ટીમ ઈન્ડિયા એક મેચ જીત્યા બાદ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. કેનેડાની ટીમ ત્રીજા સ્થાને આવી છે. તેના 2 પોઈન્ટ છે. તમને જણાવી દઈએ કે નાસાઉ પિચ પર અસામાન્ય ઉછાળાને કારણે વિવાદ થયો છે. કેપ્ટન રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીચ ક્યુરેટર પણ આ મામલે મૂંઝવણમાં છે. વાસ્તવમાં, પિચો ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવી છે અને અમેરિકાના મેદાનમાં લગાવવામાં આવી છે. આ પીચોને ડ્રોપ ઇન પીચો કહેવામાં આવે છે. આ પીચો અત્યારે વિચિત્ર રીતે પ્રતિક્રિયા આપી રહી છે, પરંતુ એ નિશ્ચિત છે કે પિચ પર બોલરોને ઘણી મદદ મળશે. તેથી આ મેચમાં ટોસની ભૂમિકા મોટી રહેશે.

  • Follow us on: