સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ચાર મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. હાલમાં સિરીઝની ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી 2 મેચ ટીમ ઈન્ડિયા અને એક મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી છે. હવે સિરીઝની છેલ્લી મેચ આજે રાત્રે 8.30 કલાકે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ 3-1થી કબજે કરવા ઈચ્છે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા સિરીઝ 2-2થી સમાપ્ત કરવા ઈચ્છે છે. આજે છેલ્લી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
શું આ ખેલાડીને મળશે મોકો?
ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી, પરંતુ અંતે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ જે રીતે ભારતીય બોલરોની ધોલાઈ કરી હતી તે જોઈને લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા મેચ હારી જશે. ત્રીજી મેચમાં રમનદીપ સિંહને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી.
રમનદીપનું ડેબ્યૂ પણ ઘણું સારું રહ્યું અને તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. આજે કેપ્ટન સૂર્યકુમાર યાદવ યુવા ઝડપી બોલર વિજયકુમારને તક આપી શકે છે. વિજયકુમારને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી.
RCB માટે રમે છે વિજયકુમાર
IPL 2024માં વિજયકુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા દેખાયો હતો. અત્યાર સુધીમાં તે IPLમાં 11 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન વિજયકુમારે બોલિંગ દરમિયાન 13 વિકેટ ઝડપી છે. ચોથી અને છેલ્લી T20 મેચ આજે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે. હાલમાં ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-1થી આગળ છે. ગત મેચના હીરો રહેલા તિલક વર્મા પાસેથી ચાહકો ફરી એકવાર શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.