- ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે
- ફાઈનલ મેચ પહેલા બાર્બાડોસમાં હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે
- સેમિફાઈનલની જેમ ફાઈનલ મેચ પર પણ વરસાદનું સંકટ છે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ 29 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે બાર્બાડોસમાં રમાશે. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે તો બીજી તરફ ટીમ સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ બંને ટીમો પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલમાં ટક્કર થવા જઈ રહી છે. સેમિફાઈનલની જેમ ફાઈનલ મેચ પર પણ વરસાદનું સંકટ છે. ફાઈનલ મેચના દિવસે બાર્બાડોસના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ફાઈનલ પર પણ વરસાદનું સંકટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાશે. આ સાથે જ આ મેચ પર પણ વરસાદનું સંકટ રહેલું છે. વેધર.કોમ મુજબ, 29 જૂને બાર્બાડોસમાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના 70 ટકા સુધી છે. ફાઈનલમાં વરસાદ વિલન બની શકે છે.
ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે
આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 29 જૂને વરસાદના કારણે મેચ રદ થશે તો ફાઈનલ 30 જૂને રમાશે. આ સિવાય ફાઈનલ મેચ માટે 190 મિનિટનો વધારાનો સમય પણ રાખવામાં આવ્યો છે. આમ છતાં જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
ટી20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમો અજેય
આ વખતે સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 8 મેચ રમી છે જ્યારે ટીમ ઈન્ડિયાએ 7 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાની એક મેચ પણ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય સાઉથ આફ્રિકા વર્લ્ડકપની શરૂઆત બાદ પ્રથમ વખત ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે.