• ભારતે શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ 43 રને જીતી
  • જયસ્વાલ-ગિલની જોડીએ અપાવી શાનદાર શરૂઆત
  • આશિષ નેહરાએ યશસ્વી જયસ્વાલની મજા લીધી

ભારતે શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ 43 રને જીતી લીધી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું અને ભારતે પહેલા જ 200થી વધુનો સ્કોર કરીને શ્રીલંકાનું કામ મુશ્કેલ બનાવી દીધું હતું. બેટિંગમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પણ 21 બોલમાં 40 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. જો કે મેચ બાદ પૂર્વ ભારતીય બોલર આશિષ નેહરા દ્વારા જયસ્વાલની મજાક ઉડાવવામાં આવી હતી, જેના પર બેટ્સમેન કંઈ બોલી શક્યા ન હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

આશિષ નેહરાએ યશસ્વી જયસ્વાલની મજા લીધી

શ્રીલંકા સામેની પ્રથમ T20 પછી યશસ્વી જયસ્વાલ સત્તાવાર પ્રસારણકર્તા સાથે વાત કરી રહ્યા હતા અને શોમાં અજય જાડેજા અને આશિષ નેહરા પણ હાજર હતા, જેઓ હિન્દી કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. આ દરમિયાન જાડેજાએ જયસ્વાલને ટી20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછીના તફાવત વિશે પૂછ્યું. નેહરાએ આ વાતની મજા લીધી અને કહ્યું કે જો તે બંને ત્યાં હોત તો જયસ્વાલના સ્ટ્રોક માત્ર નેટ પૂરતા જ મર્યાદિત હોત. પૂર્વ ફાસ્ટ બોલરની આ વાત સાંભળીને જયસ્વાલ કંઈ બોલી શક્યો નહીં અને માત્ર હસતો જ જોવા મળ્યો.


વર્લ્ડકપમાં રોહિત-વિરાટે કરી હતી ઓપનિંગ

T20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ ઓપનિંગ કર્યું હતું. જો કે આ જોડી બહુ સફળ રહી ન હતી, તેમ છતાં જયસ્વાલ બેન્ચ પર બેઠા હતા. આ કારણથી આશિષ નેહરાએ મજાકમાં કહ્યું કે જો તે બંને હજુ પણ આ ફોર્મેટમાં હોત તો તમે નેટમાં હોત.

પ્રથમ ટી20માં બન્ને ટીમોનું પ્રદર્શન

મેચની વાત કરીએ તો ઓપનરોની સારી શરૂઆત અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની અડધી સદીની ઇનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ પણ સારી શરૂઆત કરી હતી અને એક સમયે 140/1નો સ્કોર હતો, પરંતુ પછીના 30 રનમાં 9 વિકેટ પડી જવાને કારણે દાવ 170ના સ્કોર પર સમેટાઈ ગયો હતો. આ રીતે ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

  • Follow us on: