- ભારતે-શ્રીલંકા વિરુદ્ધ મેળવી જીત
- 41 રને ભારતની જીત
- જીત સાથે ભારતે ફાઈનલ માટે ક્વોલીફાઈ કર્યું
એશિયા કપ 2023માં ભારતીય ટીમે પોતાનો વિજયી રથ આગળ વધારીને શ્રીલંકાને 41 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમે એશિયા કપ 2023ના ફાઈનલમાં ક્વોલીફાઈ કર્યું છે. ભારતીય ટીમ આ મેચમાં 213 રને ઓલઆઉટ થઈ હતી. જે બાદ 214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન કરીને ઓલઆઉટ થઈ છે. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે ફરી એક વખત બોલિંગમાં કમાલ કર્યો છે. કુલદીપે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ લીધી છે. સાથે રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી છે. આ મેચમાં હાર સાથે શ્રીલંકાની વનડેમાં સળંગ 13 મેચમાં જીતનો સિલસિલો પણ તૂટ્યો છે.
શ્રીલંકાને પ્રથમ 10 ઓવરમાં લાગ્યા 3 મોટા ઝટકા
શ્રીલંકાની ટીમ આ મેચમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરી, તો તેની શરૂઆત બિલ્કુલ સારી નહતી. ટીમે પ્રથમ વિકેટ 7 રનના સ્કોર પર પથુમ નિસાંકાના રૂપે ગુમાવી હતી. જસપ્રીત બુમરાહે પથુમ નિસાંકાની વિકેટ લીધી હતી. જે બાદ બુમરાહે 25ના સ્કોર પર શ્રીલંકાના કુસલ મેંડિસને અને મોહમ્મદ સિરાઝે દિમુથ કરુણારત્નેને આઉટ કર્યો હતો. પ્રથમ 10 ઓવરની રમત પૂર્ણ થયા બાદ શ્રીલંકાની ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાને 39 રન હતો.
શ્રીલંકાએ 99ના સ્કોરે ગુમાવી હતી 6 વિકેટ
આ મેચમાં શરૂઆતી 3 વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ સમરાવિક્રમા અને અસલંકાએ શ્રીલંકાની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 43 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ખતરનાક જોડીને કુલદીપ યાદવે એ સમયે તોડી, જ્યારે સમરાવિક્રમા એક મોટો શોટ રમવાના પ્રયાસમાં સ્ટંપ આઉટ થયો હતો. ભારતીય ટીમે આ ચરિથ અસલંકાને આઉટ કરીને 5મી વિકેટ લીધી હતી. જે બાદ શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકા 99ના સ્કોર પર આઉટ થયા હતા. આ સમયે શ્રીલંકાન ટીમની વાપસી મુશ્કેલ લાગતી હતી.
ધનંજય અને વેલ્લાલાગેની જોડીએ મેચને રોમાંચક બનાવી
99ના સ્કોર પર 6 વિકેટ ગુમાવનારી શ્રીલંકા ટીમની ઈનિંગ ધનંજય ડિ સિલ્વા અને વેલ્લાલાગેએ સંભાળી હતી. આ બંને માટે 7મી વિકેટ માટે 75 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ પાર્ટનરશિ શ્રીલંકાને મેચમાં પરત લાવી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજાએ ધનંજય ડિ સિલ્વાને 41 રન પર આઉટ કર્યો હતો. આ સાથે જ ભારતીય ટીમની વાપસી થઈ હતી.
ભારતે ફાઈનલની ટિકિટ પાક્કી કરી
ધનંજયા ડિ સિલ્વાના આઉટ થયા બાદ શ્રીલંકાની ટીમની આશા દુનિથા વેલ્લાલાગે પર હતી. જો કે, બીજા છેડેથી વેલ્લાલાગેને સપોર્ટ મળ્યો નહીં. 162 રન પર 7 વિકેટ ગુમાવનારી શ્રીલંકાની ટીમ 172 રન પર ઓલઆઉટ થઈ છે. ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે 4 વિકેટ મેળવી છે. સાથે રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ જ્યારે, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાઝે 1-1 વિકેટ મેળવી છે.
ભારતની ઈનિંગમાં દુનિથા વેલ્લાલાગેના સ્પિનનો કમાલ દેખાયો
ટીમ ઈન્ડિયાના આ મેચમાં પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો, કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 48 બોલ પર 53 રન બનાવ્યા છે. આ ઉપરાંત ટીમ માટે કેએલ રાહુલે 44 બોલ પર 39 રનની ઈનિંગ રમી છે. આ મેચમાં શ્રીલંકા ટીમના સ્પિનર્સનો કમાલ જોવા મળ્યો હતો. ભારતની તમામ વિકેટ શ્રીલંકાના સ્પિનર્સે લીધી છે. જેમાં 20 વર્ષના સ્પિન બોલર દુનિથા વેલ્લાલાગેએ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી છે.









