- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 મેચની સિરીઝ
- આ સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે
- ભારત સામેની સિરીઝમાં સનથ જયસૂર્યા શ્રીલંકાના કોચ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ શ્રીલંકા સાથે 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમશે. 27 જુલાઈથી શરૂ થઈ રહેલી આ સિરીઝ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના અનુભવી ખેલાડીને મોટી જવાબદારી સોંપી છે અને તેને ટીમના કામચલાઉ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમ આ નવા કોચના નેતૃત્વમાં ભારત સામે આ સિરીઝ રમશે.
કોચે રાજીનામું આપી દીધું હતું
શ્રીલંકાના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે T20 વર્લ્ડકપ 2024 બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પરિવાર રાજીનામું આપવાનું કારણ આપ્યું હતું, પરંતુ માનવામાં આવે છે કે T20 વર્લ્ડકપ 2024માં શ્રીલંકાના ખરાબ પ્રદર્શનથી દુઃખી થઈને ક્રિસ સિલ્વરવુડે આ પગલું ભર્યું હતું.
કોને સોંપવામાં આવી હતી જવાબદારી?
શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ પસંદગીકાર સનથ જયસૂર્યાએ પોતે કહ્યું હતું કે તેને ટીમનું કોચિંગ લેવાનું કહેવામાં આવ્યું છે અને તે તેના માટે ખૂબ જ ખુશ છે. તે ભારત અને ઈંગ્લેન્ડ સામેની આગામી સિરીઝમાં કોચિંગની જવાબદારી સંભાળશે.
ભારત પણ નવા કોચ સાથે પ્રવાસ કરશે
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. VVS લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમના કોચિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. BCCI સેક્રેટરીએ જાહેરાત કરી છે કે ટીમ ઈન્ડિયા નવા કોચ સાથે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ નવા કોચ સાથે શ્રીલંકામાં તેની પ્રથમ સિરીઝ રમશે તે નિશ્ચિત છે. માનવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરને ટીમનો કોચ બનાવવામાં આવશે.
સનથ જયસૂર્યાની કારકિર્દી
સનથ જયસૂર્યાએ શ્રીલંકા માટે 110 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 14 સદી અને 31 ફિફ્ટીની મદદથી કુલ 6973 રન બનાવ્યા છે. જ્યારે જયસૂર્યાએ 445 આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી છે. જેમાં તેણે 28 સદી અને 68 ફિફ્ટીની મદદથી કુલ 13430 રન બનાવ્યા છે. જયસૂર્યાનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 340 રન છે અને ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર 189 રન છે. આ સિવાય જયસૂર્યાએ 30 T20 મેચમાં 4 ફિફ્ટીની મદદથી 629 રન બનાવ્યા છે.
ગૌતમ ગંભીરની કારકિર્દી
ગૌતમ ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 9 સદી અને 22 ફિફ્ટીની મદદથી કુલ 4154 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરે ભારતીય ટીમ માટે 147 ODI મેચ રમી છે, જેમાં તેણે 11 સદી અને 34 ફિફ્ટીની મદદથી કુલ 5238 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરનો ટેસ્ટ મેચમાં સર્વોચ્ચ સ્કોર 206 રન અને વનડે મેચમાં 150 રન છે. ગંભીરે ભારત માટે 36 T20 મેચ રમી છે, જેમાં તેણે 7 ફિફ્ટી સાથે 932 રન બનાવ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ શેડ્યૂલ
- 27 જુલાઈએ પ્રથમ T20 મેચ
- 28 જુલાઈ બીજી T20 મેચ
- 30મી જુલાઈ 3જી T20 મેચ
- 2 ઓગસ્ટ પ્રથમ ODI મેચ
- 4 ઓગસ્ટ બીજી ODI મેચ
- 7મી ઓગસ્ટ ત્રીજી ODI મેચ