- વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયા છવાયું
- વિરાટ કોહલીએ ફટકાર્યા શાનદાર 121 રન સાથે 29નું ટેસ્ટ શતક
- રોહિતના 80, જાડેજાના 61, અશ્વિનના 56 રન, યશસ્વી 57 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 1 વિકેટે 86 રન બનાવી લીધા છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રેગ બ્રેથવેઈટ અને કિર્ક મેકેન્ઝી અણનમ પરત ફર્યા હતા. ક્રેગ બ્રેથવેટ 128 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કિર્ક મેકેન્ઝી 25 બોલમાં 14 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તે જ સમયે, તેગનારાયણ ચંદ્રપોલ અને ક્રેગ બ્રેથવેટે આ પહેલા પ્રારંભિક વિકેટ માટે 71 રન જોડ્યા હતા. તેગનારાયણ ચંદ્રપોલને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. તેગનારાયણ ચંદ્રપોલે 95 બોલમાં 33 રન બનાવ્યા હતા.
ઈન્ડિયા 438 રન બનાવી ઓલઆઉટ થયું
વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગ પૂર્ણ કરી છે. ટીમ ઇન્ડિયા 128 ઓવરમાં 438 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી, વિરાટ કોહલીએ 121 રન ફટકારીને ટેસ્ટ કારકિર્દીનું શાનદાર 29મુ શતક ફટકાર્યું હતું. તો, રોહિત શર્માએ 80, રવિન્દ્ર જાડેજાએ 61, આર. અશ્વિનને 56 રન, યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. તો, વેસ્ટ ઇન્ડિઝએ પોતાની ઇનિંગની શરૂઆત કરી છે.
ભારતને પાંચમો ઝટકો, વિરાટ કોહલી 121 રન બનાવીને આઉટ
ટીમ ઇન્ડિયાને ટેસ્ટ મેચના બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 121 રન બનાવીને રનઆઉટ થયો છે. આમ ભારતીય ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આઉટ થતા પહેલા 206 બોલમાં 121 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા.
રવિન્દ્ર જાડેજાના 50 રન પુરા
વિરાટ કોહલીની સદી બાદ રવિન્દ્ર જાડેજાએ પણ 50 રનનો આંકડો પાર કરી લીધો છે. રવિન્દ્ર જાડેજા હાલ 106 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા છે.
વિરાટ કોહલીનો શતકનો દુષ્કાળ ખતમ, ફટકારી 29મી ટેસ્ટ સદી
પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ 180 બોલમાં સદીનો આંકડો પાર કર્યો હતો. વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની આ 29મી સદી છે. વાસ્તવમાં, વિરાટ કોહલી લાંબા સમયથી વિદેશી ધરતી પર ટેસ્ટ મેચમાં સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ હવે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને દુષ્કાળનો અંત લાવી દીધો છે.
પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ બનાવ્યા હતા 4 વિકેટે 288 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રિનિદાદ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 84 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. તો કેપ્ટન રોહિત શર્માએ 80 રન, યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. જોકે શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેણે માત્ર 10 રન બનાવ્યા હતા.