- જેક વેલ્ચે 58મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ટીમને જીતાડી દીધી હતી
- ભારત માટે હરમનપ્રીતે 12મી તથા 20મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ નોંધાવ્યા હતા
- સુખજિતસિંહે 18મી તથા મનદીપસિંહે 29મી મિનિટે ફિલ્ડ ગોલ દ્વારા ભારતને 4-2થી આગળ કરી દીધું હતું
સુકાની હરમનપ્રીતસિંહે બે ગોલ કર્યા હોવા છતાં ભારતનો એફઆઇએચ પ્રો-લીગ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે 4-6થી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અંતિમ ક્વાર્ટરમાં ત્રણ ગોલ કરીને ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ભારત માટે હરમનપ્રીતે 12મી તથા 20મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ નોંધાવ્યા હતા. સુખજિતસિંહે 18મી તથા મનદીપસિંહે 29મી મિનિટે ફિલ્ડ ગોલ દ્વારા ભારતને 4-2થી આગળ કરી દીધું હતું પરંતુ અંતિમ ક્વાર્ટરમાં બાજી પલટાઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી બ્લેક ગોવર્સે બીજી મિનિટે બે ગોલ કર્યા હતા. એરોન જાલેવસ્કીએ 40મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા, લાચલાન શાર્પે 52મી, જેકોબ એન્ડરસને 55મી તથા જેક વેલ્ચે 58મી મિનિટે ફિલ્ડ ગોલ કરીને ટીમને જીતાડી દીધી હતી. પ્રથમ 10 મિનિટમાં બે ગોલ નોંધાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ભારતની ડિફેન્સ હરોળે તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતને 12મી મિનિટે પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેને હરમનપ્રીતે ગોલમાં ફેરવ્યો હતો. ત્યારબાદ અંતિમ ક્વાર્ટર સુધી ભારતે મેચમાં પોતાનો દબદબો મેળવ્યો હતો.










